મેઘાલયના ગર્વનરે આપી ચેતવણી, જો સરકાર આવું નહીં કરે તો ફરી સત્તામાં નહીં આવી શકે
- સરકારના નવા કૃષિ કાયદા પર મેઘાલયના ગર્વનરનું નિવેદન
- જો ખેડૂતોની માંગણી પૂરી નહીં થાય તો આ સરકાર ફરી સત્તામાં નહીં આવી શકે
- સરકારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરવી જોઇએ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે પરંતુ હજુ સુધી કોઇ નક્કર નિષ્કર્ષ મળ્યું નથી ત્યારે મેઘાલયના ગર્વનર સત્યાપાલ મલિકે ચેતવણી આપી છે કે, જો ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો સરકાર ફરીથી સત્તામાં પાછી નહીં ફરી શકે.
રાજસ્થાનની મુલાકાત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે, સરકારે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની માંગને પૂરી કરવી જોઇએ. જે રીતે કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે તે જોતા યુપીના કેટલાક ગામડાઓમાં તો ભાજપના નેતા માટે પ્રવેશબંધી જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું મેરઠથી અને મારા જ વિસ્તારમાં ભાજપના કોઇ નેતા ગામમાં પ્રવેશ કરી શકે તેમ નથી. મેરઠ, મુઝઝફરનગર, બાગપત એવા વિસ્તારમાં લોકો ભાજપ નેતાઓ ફરકવા પણ નહીં દે.
પોતાના ગર્વનર પદ અંગે પૂછાતા પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા કે હાલમાં મને ગર્વનરપદ છોડવાની આવશ્યકતા લાગતી નથી. જો જરૂર પડશે તો હું આ પદથી રાજીનામું આપી દઇશ. મે ખેડૂતો માટે પીએમ, ગૃહમંત્રી સાથે ઝઘડો કર્યો છે અને તેમને કહ્યું છે કે તમે ખોટુ કરી રહ્યા છો.
હું પીએમને વ્યક્તિગત રીતે સલાહ આપીશ. તેઓ શીખો અંગે જાણતા નથી. તેમને છંછેડવા જોઇએ નહીં. જો સરકાર MSPની બાહેંધરી આપશે તો હું ખેડૂતોને આંદોલન પાછુ ખેંચવા માટે સમજાવીશ. તેમને તેમની ઉપજનું લઘુત્તમ મૂલ્ય ના મળે તો તેઓ બરબાદ થઇ જશે.