સરકાર હવે મગફળી અને અન્ય પાકની ટેકાના ભાવે કરશે ખરીદી, 2.30 લાખ ખેડૂતોએ કરાવી નોંધણી
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને તેમના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી સહિતના પાકની દર વર્ષે ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ સરકારે મગફળી અને અન્ય પાકની ખરીદી કરવાની કવાયત શરૂ કરી છે. અત્યાર સુધીમાં લગભગ 2.30 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. મગફળી ઉપરાંત ડાંગર અને બાજરીના પાક માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે. અત્યાર સુધીમાં સૌથી વધારે રાજકોટમાં 52 હજારથી વધારે ખેડૂતો અને જૂનાગઢમાં 29 હજારથી વધારે ખેડૂતોએ નોંધણી કરાવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 25859 અને ગીર સોમનાથ તથા જામનગરમાં પણ 25 હજારથી વધારે ખેડૂતોએ નોંધણી કરાવી છે. આગામી તા. 9મી નવેમ્બરથી રાજ્યના 155થી વધારે સેન્ટરો ઉપરથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. સૌરાષ્ટ્રમાં વિપુલ માત્રામાં મગફળીની વાવેતર થતું હોવાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે કેન્દ્રો ફાળવવામાં આવ્યાં છે. સરકાર દ્વારા ગયા વર્ષે પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. લગભગ 4.70 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી.
આ ઉપરાંત રાજ્યમાં બાજરી અને ડાંગરના પાકને ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની પ્રક્રિયા શરૂ કરી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં ડાંગર માટે 29 હજાર અને બાજરી માટે 6 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા તા. 31મી ઓક્ટોબર સુધી નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે.