Site icon Revoi.in

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ

Social Share

ગાધીનગર, 15 જાન્યુઆરી 2026:  ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં આજે 16 હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 200થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, 850થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત 350થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT માન્યતા પ્રાપ્ત આ સ્ટાર્ટઅપ્સ થકી યુવા નવીનકારો ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

ગુજરાત ઔદ્યોગિક નીતિ–2020 અંતર્ગત ‘સ્ટાર્ટઅપ્સ/નવિનતા માટેની સહાય યોજના’ દ્વારા રાજ્ય સરકારે 430થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. 65 કરોડની નાણાકીય સહાય આપી છે. જેના થકી ડીપ-ટેક, હેલ્થકેર અને લાઇફ સાયન્સ, કૃષિ અને ફૂડ સિસ્ટમ્સ, ક્લીનટેક, ઇલેક્ટ્રિક મોબિલિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ અને ડિફેન્સ, ફિનટેક, એડ્યુટેક જેવા ઉચ્ચ પ્રભાવ ધરાવતા ક્ષેત્રોમાં નવીનતાને ગતિ મળી રહી છે. આ ઉપરાંત ટેન્ડર ફી, EMD અને પૂર્વ અનુભવ સંબંધિત માપદંડોમાં છૂટ, પાત્ર સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. 15 લાખ સુધી સીધી ખરીદી અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ મારફતે સમર્પિત વેન્ચર ફંડની સ્થાપના જેવા સુવિધાત્મક પગલાં લેવાયા છે.

ઇકોસિસ્ટમની ક્ષમતાઓને સતત મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ સેલ દ્વારા નોડલ ઇન્ક્યુબેટર્સ માટે નિયમિત રીતે ક્ષમતા વિકાસ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત 300થી વધુ મેન્ટર્સને જોડવામાં પણ આવ્યા છે, જેના માધ્યમથી સ્ટાર્ટઅપ્સને વ્યૂહાત્મક માર્ગદર્શન, ઉદ્યોગ સંબંધિત સમજણ અને ક્ષેત્ર-વિશેષ નિષ્ણાતની સહાય પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારને આ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

Exit mobile version