અટલજીએ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી એ દિવસને હું ક્યારેય ભૂલી ન શકું: PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પીએમએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પીએમના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે. વડાપ્રધાનએ જે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો તેમાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશન વેવ ઓબ્ઝર્વેટરી – ઇન્ડિયા (લિગો-ઇન્ડિયા), હિંગોળી; હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, જટની, ઓડિશા; અને મુંબઈમાં સ્થિત ટાટા મેમોરિયલ હોસ્પિટલના પ્લેટિનમ જ્યુબિલી બ્લોક સામેલ છે. જે પ્રોજેક્ટ દેશને અર્પણ થયા છે તેમાં ફિશન મોલીબ્ડેનમ-99 પ્રોડક્શન સુવિધા, મુંબઈ; રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ પ્લાન્ટ, વિશાખાપટનમ; નેશનલ હેડ્રોન બીમ થેરપી સુવિધા, નવી મુંબઈ; રેડિયોલોજિકલ રિસર્ચ યુનિટ, નવી મુંબઈ; હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, વિશાખાપટનમ; અને મહિલા અને બાળ કેન્સર હોસ્પિટલ બિલ્ડિંગ, નવી મુંબઈ સામેલ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમ દરમિયાન એક એક્ષ્પોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે તાજેતરમાં ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ દર્શાવે છે.પીએમએ આ એક્ષ્પોની ઝાંખી પણ મેળવી હતી. તેમણે આ પ્રસંગે એક સ્મૃતિ ટિકિટ અને સિક્કાનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં 11 મેનો દિવસ સૌથી પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત દિવસો પૈકીનો એક છે. તેમણે ભાર મૂક્યો હતો કે, આજના દિવસની ઉજવણી પોખરણમાં ભારતના વૈજ્ઞાનિકોએ પ્રાપ્ત કરેલી ઉત્કૃષ્ટ સફળતાની યાદમાં કરવામાં આવે છે. તેમની આ સિદ્ધિ પર સમગ્ર દેશને ગર્વ છે. તેમણે 25 વર્ષ અગાઉ એ દિવસને યાદ કરીને કહ્યું હતું કે, “અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી એ દિવસને હું ક્યારેય ભૂલી ન શકું.” તેમણે કહ્યું હતું કે, પોખરણમાં પરમાણુ પરીક્ષણે ભારતને એની વૈજ્ઞાનિક ક્ષમતાઓ પુરવાર કરવામાં જ મદદ કરી નહોતી, પરંતુ દેશનું આંતરરાષ્ટ્રીય દુનિયામાં કદ પણ વધાર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અટલજીના શબ્દોમાં કહીએ તો આપણે આપણી સફરમાં ક્યારેય અટક્યાં નથી અને આપણા માર્ગમાં આવેલા કોઈપણ પડકાર સામે ક્યારેય સમર્પણ કર્યું નથી.”
તેમણે આજે ઉદ્ઘાટન થયેલા વિવિધ ભવિષ્યલક્ષી પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મુંબઈમાં નેશનલ હેડ્રોન બીમ થેરપી સુવિધા અને રેડિયોલોજિકલ રિસર્ચ યુનિટ, વિશાખાપટનમમાં ફિશન મોલીબ્લડેનમ-99 ઉત્પાદન સુવિધા, રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ પ્લાન્ટ અથવા વિવિધ કેન્સર સંશોધન હોસ્પિટલો સામેલ છે. તેમણે કહ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ પરમાણુ ટેકનોલોજીની મદદ સાથે દેશની પ્રગતિને વેગ આપશે. પ્રધાનમંત્રીએ લિગો-ઇન્ડિયા વિશે વાત કરીને લિગોને 21મી સદીની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંબંધિત સૌથી વધુ મહત્વપૂર્ણ પહેલો પૈકીની એક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓબ્ઝર્વેટરી (વેધશાળા) વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે સંશોધન કરવાની નવી તકો પ્રસ્તુત કરશે.
તેમણે ભાર મૂક્યો હતો કે, અત્યારે અમૃતકાળના શરૂઆતના ગાળામાં આપણી સામે વર્ષ 2047ના લક્ષ્યાંકો સ્પષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, “આપણે રાષ્ટ્રને વિકસિત અને આત્મનિર્ભર બનાવવું પડશે.” આ માટે તેમણે વૃદ્ધિ, ઇનોવેશન અને સતત વિકાસ લક્ષ્યાંકો માટે સર્વસમાવેશક ઇકોસિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે દરેક પગલે ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકીને કહ્યું હતું કે, ભારત આ સંબંધમાં સર્વાંગી અને 360-ડિગ્રી એટલે કે સંપૂર્ણ અભિગમ સાથે અગ્રેસર થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “ભારત દેશની પ્રગતિના માધ્યમ કે સાધન તરીકે ટેકનોલોજીને ગણે છે, નહીં કે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાના માધ્યમ તરીકે.”
આજના કાર્યક્રમની થીમ હતી – ‘સ્કૂલ ટૂ સ્ટાર્ટઅપ્સ – ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ ટૂ ઇનોવેટ’ (શાળાથી સ્ટાર્ટઅપ્સ – બાળકોમાં નવાચારની ભાવનાને ખીલવવી). આ થીમની પ્રશંસા કરીને પીએમએ જણાવ્યું હતું કે, ભારતનું ભવિષ્ય કેવું હશે એનો નિર્ણય હાલની યુવા પેઢી અને બાળકો કરશે. તેમણે કહ્યું હતું કે, આજના બાળકો અને યુવા પેઢીનો ઉત્સાહ, ઊર્જા અને ક્ષમતાઓ ભારતની સૌથી મોટી તાકાતો છે. ડો. એ પી જે અબ્દુલ કલામના કથનને ટાંકીને તેમણે જ્ઞાન સાથે જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, ભારત જ્ઞાન પર આધારિત સમાજ તરીકે વિકસી રહ્યો છે, તે એકસમાન તાકાત સાથે કામ કરી રહ્યો છે. તેમણે છેલ્લાં 9 વર્ષ દરમિયાન યુવાનોની માનસિકતાને ખીલાવવા માટે ઊભા થયેલા મજબૂત પાયાની સમજણ આપી હતી.
તેમણે કહ્યું હતું કે, દેશના 700 જિલ્લાઓમાં 10 હજારથી વધારે અટલ ટિન્કરિંગ પ્રયોગશાળાઓ નવીનતાની પ્રયોગશાળાઓ બની ગઈ છે. વધારે મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ પ્રયોગશાળાઓમાંથી 60 ટકા સરકારી અને ગ્રામીણ શાળાઓમાં છે. અટલ ટિન્કરિંગ પ્રયોગશાળામાં 12 લાખથી વધારે ઇનોવેશન પ્રોજેક્ટ પર 75 લાખથી વધારે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શાળાઓમાંથી બહાર આવી રહેલા યુવાન વૈજ્ઞાનિકોનો સંકેત છે અને વિજ્ઞાન દેશના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી ગયું છે. તેમણે ભાર મૂક્યો હતો કે, તેમને મદદ કરવાની, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાની અને તેમના વિચારોને અમલમાં મૂકવા મદદ કરવાની દરેક નાગરિકની ફરજ છે. તેમણે ઉમેર્યું હતું કે, અટલ ઇનોવેશન સેન્ટર્સ (એઆઇસી)માં સેંકડો સ્ટાર્ટઅપ્સનું ઇન્ક્યુબેશન થયું છે અને આ કેન્દ્રો ‘નવા ભારત’ની નવી પ્રયોગશાળાઓ તરીકે બહાર આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, “ભારતનાં ટિંકર-પ્રિન્યોર્સ ટૂંક સમયમાં દુનિયાના અગ્રણી ઉદ્યોગસાહસિકો બની જશે.”
તેમણે મહેનતના મહત્વ પર મહર્ષિ પતંજલિના કથનને ટાંકીને કહ્યું હતું કે, વર્ષ 2014 પછી હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાંને પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટાં પરિવર્તનો જોવા મળે છે. “સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન, ડિજિટલ ઇન્ડિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈ પર પહોંચાડવામાં મદદ કરી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી બહાર આવ્યું છે અને અનુભવો દ્વારા પેટન્ટમાં પરિવર્તિત થઈ રહ્યું છે. “10 વર્ષ અગાઉ દર વર્ષે 4000 પેટન્ટની નોંધણી થતી હતી, જેની સરખામણીમાં હાલ દર વર્ષે 30,000થી વધારે પેટન્ટની નોંધણી થઈ રહી છે. આ જ ગાળામાં ડિઝાઇનોની નોંધણી 10,000થી વધીને 15,000 થઈ છે. ટ્રેડમાર્કની સંખ્યા 70,000થી ઓછી હતી, જે વધીને 2,50,000 થઈ છે.”
તેમણે કહ્યું હતું કે, “અત્યારે ભારત દરેક દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે ટેક લીડર બનવા માટે જરૂરી છે.” તેમણે જાણકારી આપી હતી કે, વર્ષ 2014માં દેશમાં ટેક ઇન્ક્યુબેશન કેન્દ્રોની સંખ્યા અંદાજે 150 હતી, જે અત્યારે વધીને 650 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ભારતનો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રેન્ક 81થી 40 થઈ ગયો છે, જેમાં દેશની યુવા પેઢીએ તેમના પોતાના ડિજિટલ સાહસો અને સ્ટાર્ટઅપ્સ સ્થાપિત કર્યા છે. વર્ષ 2014 સાથે સરખામણી કરીને પીએમએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા અંદાજે 100થી વધીને અત્યારે 1 લાખ થઈ ગઈ છે તથા આ સ્ટાર્ટઅપ્સે દેશને દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બનાવી દીધો છે. ભારતની ક્ષમતા અને પ્રતિભાની નોંધ લઈને વડાપ્રધાને ધ્યાન દોર્યું હતું કે, જ્યારે દુનિયા આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે, ત્યારે આપણા દેશમાં વૃદ્ધિ થઈ રહી છે. હાલનો સમય નીતિનિર્માતાઓ, વૈજ્ઞાનિક સમુદાય, સમગ્ર દેશમાં પથરાયેલી સંશોધન પ્રયોગશાળાઓ અને ખાનગી ક્ષેત્ર માટે અતિ કિંમતી છે એના પર ભાર મૂકીને તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ સ્કૂલથી સ્ટાર્ટઅપની સફર કરશે તેમ છતાં હંમેશા તેમને હિતધારકોએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું પડશે. તેમણે આ કામગીરી માટે તેમના સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણે ટેકનોલોજીના સામાજિક સંદર્ભને ધ્યાનમાં રાખીને અગ્રેસર થઈ રહ્યાં છીએ, ત્યારે ટેકનોલોજી સશક્તિકરણ કે ઉત્થાનનું શક્તિશાળી માધ્યમ બની ગઈ છે. આ અસંતુલન દૂર કરવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે એક સાધન બની ગઈ છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજી સામાન્ય નાગરિકોની પહોંચની બહાર હતી અને ડેબિટ, ક્રેડિટ કાર્ડ્સ સ્ટેટ્સ સિમ્બોલ (ઉચ્ચ મધ્યમ અને ધનિક વર્ગનાં પ્રતીક) ગણાતાં હતાં એ સમયને યાદ કર્યો હતો. પણ અત્યારે યુપીઆઈ એની સરળ ઉપયોગિતાને કારણે નવો માપદંડ બની ગઈ છે. અત્યારે ભારત ડેટાનો સૌથી વધુ ઉપયોગ ધરાવતા દેશોમાં સામેલ છે. ગ્રામીણ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા શહેરી યુઝર્સ કરતાં વધી ગઈ છે. જેએએમ ત્રિસ્તરીય સુવિધા, જીઇએમ પોર્ટલ, કોવિન પોર્ટલ, ઇ-નામએ ટેકનોલોજીને સર્વસમાવેશકતાનું મહત્વપૂર્ણ માધ્યમ બનાવી દીધી છે.
તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીનો ઉચિત અને સમજણભર્યો ઉપયોગ સમાજને નવી તાકાત આપે છે. અત્યારે સરકાર જીવનના દરેક તબક્કા માટે સેવાઓ પ્રદાન કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું હતું કે, જન્મનાં ઓનલાઇન પ્રમાણપત્રો, ઇ-પાઠશાળ અને દિક્ષા ઇ-લર્નિંગ પ્લેટફોર્મ્સ, સ્કોલરશિપ પોર્ટલ, રોજગારીના ગાળા દરમિયાન યુનિવર્સલ એક્સેસ નંબર, તબીબી સારવાર માટે ઇ-સંજીવની અને વયોવૃદ્ધ લોકો માટે જીવન પ્રમાણ જેવા વિવિધ પ્રકારના સોલ્યુશનથી નાગરિકને દરેક તબક્કે મદદ મળી રહી છે. તેમણે સામાજિક ન્યાય અને જીવનની સરળતા વધારવા સરળ પાસપોર્ટ, ડિજિ યાત્રા, ડિજિલોકરમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો વિશે પણ વાત કરી હતી.
તેમણે ટેકનોલોજીની દુનિયામાં ઝડપથી થઈ રહેલા પરિવર્તનોનો સંદર્ભ ટાંકીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની યુવા પેઢી આ પરિવર્તનો સાથે તાલમેળ મેળવવા અને એનાથી વધારે ઝડપથી સારી કામગીરી કરવા દેશનું નેતૃત્વ લેશે. તેમણે નવા પરિવર્તનકારકો તરીકે બહાર આવેલા એઆઈ ટૂલ્સ, તેની સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રચૂર સંભવિતતાઓ તેમજ ડ્રોન ટેકનોલોજી અને થેરોપેટિક્સ ક્ષેત્રમાં આકાર લઈ રહેલા નવા ઇનોવેશનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે આ પ્રકારની પરિવર્તનકારક ટેકનોલોજીમાં નેતૃત્વ લેવું પડશે. પ્રધાનમંત્રીએ ભારતના સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંકના સંદર્ભમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલેન્સ કે iDEX (આઇડેક્સ)નો ઉલ્લેખ કર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે, સંરક્ષણ મંત્રાલયે આઇડેક્સ પાસેથી રૂ. 350 કરોડથી વધારે મૂલ્ય ધરાવતા 14 ઇનોવેશનની ખરીદી કરી છે. તેમણે આઇ-ક્રીએટ અને ડીઆરડીઓના યુવા વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાઓ જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના પ્રયાસોએ નવી દિશા આપી છે. તેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં નવા સુધારા વિશે કહ્યું હતું કે, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ગેમ ચેન્જર તરીકે બહાર આવી રહ્યો છે. તેમણે એસએસએલવી અને પીએસએલવી ઓર્બિટલ પ્લેટફોર્મ્સ જેવી ટેકનોલોજીઓ વિશે વાત કરી હતી. તેમણે અંતરિક્ષ ક્ષેત્રમાં યુવા પેઢી અને સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા કોડિંગ, ગેમિંગ અને પ્રોગ્રામિંગના ક્ષેત્રોમાં નેતૃત્વ લેવાના સંદર્ભમાં વાત પણ કરી હતી. જ્યારે ભારતે સેમિકંડક્ટર્સ જેવા નવા વિકલ્પોમાં એની કામગીરી વધારી છે, ત્યારે પ્રધાનમંત્રીએ પીએલઆઈ યોજના જેવી નીતિગત-સ્તરે હાથ ધરવામાં આવેલી જુદી જુદી પહેલો વિશે પણ જાણકારી આપી હતી.
તેમણે ઇનોવેશન (નવીનતા) અને સુરક્ષામાં હેકેથોન્સની ભૂમિકા પર વાત કરીને ભાર મૂક્યો હતો કે, સરકાર હેકેથોન સંસ્કૃતિને સતત પ્રોત્સાહન આપી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ નવા પડકારો ઝીલે છે. તેમણે વ્યવહારિક સમાધાનો માટેની આવશ્યકતા અને આ માટે માળખું ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે, અટલ ટિન્કરિંગ લેબ્સમાંથી બહાર આવતા યુવા પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરવા સંસ્થાગત વ્યવસ્થા જાળવવી પડશે. તેમણે પૂછ્યું હતું કે, “દેશના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની 100 પ્રયોગશાળાઓની ઓળખ કરી શકીએ, જે યુવા પેઢીથી સંચાલિત હોવી જોઈએ?” સ્વચ્છ કે પર્યાવરણને અનુકૂળ ઊર્જા અને સજીવ ખેતી જેવા વિશેષ ધ્યાન ધરાવતા ક્ષેત્રો વિશે તેમણે સંશોધન અને ટેકનોલોજીના પ્રોત્સાહન પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાષ્ટ્રીય ટેકનોલોજી સપ્તાહ આ સંભવિતતાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.