
- ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ
- કોંગ્રેસ-સપાના ધારાસભ્યો ભાજપમાં જોડાયા
- કોંગ્રેસ અને સપાને ઝટકો
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આયારામ ગયારામ શરૂ થઇ ચૂક્યું છે. નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ ધપાવ્યું હતું અને ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપમાં જે ધારાસભ્યો જોડાયા છે તેમાં સહારનપુરના બેહટ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની અને ફિરોઝાબાદના સિરસાગંજના સપા ધારાસભ્ય હરિઓમ યાદવ ભાજપમાં જોડાયા. આ ઉપરાંત પૂર્વ વિધાયક ધર્મપાલસિંહ પણ ભાજપમાં સામેલ થઇ ગયા.
બીજી તરફ આજે લખનૌમાં સમાજવાદી પાર્ટીની બેઠક થઇ હતી. જેમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તમામ સહયોગી પાર્ટીઓ સાથે મુલાકાત કરીને સીટ શેરિંગ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ સ્પષ્ટ થઇ ગયું છે કે સપા 6 પાર્ટીઓ સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરી રહી છે. બેઠકમાં 6 નાના પક્ષના નેતાઓ સામેલ થયા હતા.
આપને જણાવી દઇએ કે, અખિલેશ યાદવ સાથેની બેઠકમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના શિવપાલ યાવદ અને આદિત્ય યાદવ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર અને અરવિંદ રાજભર, આરએલડીના ડૉ. મસૂદ (પ્રદેશ અધ્યક્ષ), મહાન દળના કેશવ દેવ મૌર્ય, જનવાદી પાર્ટીના સંજય ચૌહાણ અને અપના દળ (કમેરાવાદી)ના કૃષ્ણા પટેલ સામેલ થયા હતા.