
ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની અમેરિકા થઇ ગઇ ટ્રાન્સફર, હવે આ પદે થઇ નિયુક્તિ
- ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ
- હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ અપાયું છે
- કંપનીના રેવેન્યુ સ્ટ્રેટેજી અને ઑપરેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પદે હવે નિયુક્તિ
નવી દિલ્હી: ભારતમાં ટ્વિટર ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે હવે ટ્વિટર ઇન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઇ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસકોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીંયા તેઓની નિયુક્તિ કંપનીના રેવેન્યુ સ્ટ્રેટેજી અને ઑપરેશન ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર પદે થઇ છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્વિટરના જાપાન અને એશિયા પેસિફિક વિસ્તારના વાઇસ પ્રેસિડેન્ટએ કહ્યું કે, મનિષ મહેશ્વરી હજુ પણ કંપની સાથે છે. તેમને હવે નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. ત્યાં તેઓ કંપનીમાં સિનીયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે.
ટ્વિટર ઈન્ડિયા ઘણા સમયથી વિવાદમાં છે. કંપનીએ ટૂલકિટ મામલે ભાજપ સહિત અનેક નેતાઓની આગળ મેનિપ્યુલેટેડ ટેગ લગાવી દીધો હતો. અને ત્યારબાદ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તે સમયના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સહિત અનેક નેતાઓના ટ્વિટર હેન્ડલ લોક કર્યા હતા. જો કે સરકારના વિરોધ બાદ બધા એકાઉન્ટ બહાલ કરાયા હતા.
આ વિવાદ હજુ ચાલુ હતો ત્યાં તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં રેપ પીડિતાના પરિજનોનો ફોટો શેર કરી દીધો. ત્યારબાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પબ્લિક વિરોધ બાદ ટ્વિટર ઈન્ડિયાએ રાહુલ ગાંધીનું એકાઉન્ટ લોક કરી દીધુ.