
- યુપીમાં મતદારોને રીઝવવા સપાનું અભિયાન
- હવે નામ લખાવો અને 300 યુનિટ ફ્રી વીજળી આપશે
- અખિલેશ યાદવે કરી જાહેરાત
નવી દિલ્હી: યુપીમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. દરેક રાજકીય પક્ષો મતદારોને પ્રલોભન આપવા માટે અનેક ઑફરો આપી રહ્યા છે. હવે સમાજવાદી પાર્ટીએ 300 યુનિટ મફત વીજળી આપાવનું અભિયાન શરૂ કરી દીધું છે.
આ અંગે વાત કરતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જે લોકો પાસે વીજ જોડાણ છે અને જે લોકો જોડાણ લેવા માંગે છે તે આ અભિયાનનો હિસ્સો બને તેવી અપીલ છે. આ માટે સમાજવાદી પાર્ટી દ્વારા આપનારા ફોર્મમાં નામ લખાવવાનું રહેશે.
અખિલેશે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકાર છેલ્લા ચારેક મહિનાથી લોકોને વીજળી બિલ મોકલી રહી નથી. કારણ કે આ બિલની રકમ ખૂબ વધારે છે. સરકારને ખબર છે કે, જો બિલ આપવામાં આવશે તો લોકો ભડકી ઉઠશે અને ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડુલ થઇ જવાની નોબત આવશે.
વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની 400 બેઠકો આવશે તેવો આશાવાદ અખિલેશ યાદવે વ્યક્ત કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે, તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને કોઇપણ રીતે અમે 400થી ઓછી સીટ જીતીએ એવું લાગતું નથી.