
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, કોંગ્રેસમાં શોકની લાગણી પ્રસરી
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન
- તેમનું 80 વર્ષની વયે નિધન
- કોંગ્રેસમાં શોકની લહેર
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું. તેઓનું 80 વર્ષની વયે નિધન થયું છે. ફર્નાન્ડિસને યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠ થઇ હતી. તેને દૂર કરવા માટે સર્જરી કરવામાં આવી હતી. આ પછી તેને ICUમાં દાખલ કરાયા હતા. સોમવારે મેંગ્લુરુમાં તેમનું નિધન થયું હતું.
પીએમ મોદીએ પણ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું છે કે, રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસ જીના નિધનથી હું દુખી છું. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર તેમજ શુભેચ્છકો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.
કોંગ્રેસ પાર્ટીએ પણ પાર્ટી વતી શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, ઓસ્કર ફર્નાન્ડિસ જીના નિધનથી અમે ખૂબ જ દુ:ખી છીએ. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના. કોંગ્રેસના દિગ્ગજ, સર્વસમાવેશક ભારત માટેની તેમની દૃષ્ટિએ આપણા સમયની રાજનીતિ પર ભારે અસર કરી હતી. કોંગ્રેસ પક્ષ તેમના મહામૂલા માર્ગદર્શનને ચૂકી જશે.
ફર્નાન્ડિસે યુપીએ સરકારમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી તરીકે સેવા આપી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નજીકના ગણાતા ફર્નાન્ડિસ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે.