Site icon Revoi.in

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છેઃ રાજ્યપાલ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત  લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં સહભાગી થયા હતા. આ પૂર્વે તેમણે ગાયનું દૂધ દોહન પણ કર્યું હતું. રાજ્યપાલની આ સહજતા અને કાર્ય પરાયણતા જોઈ ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા.

આ ફાર્મ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ફાર્મ પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને હળદરના પાકમાં મેળવેલ મબલખ ઉત્પાદન અને તેની ગુણવત્તા જોઈ તેમણે હર્ષ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર વગર પણ આવું ગુણવત્તાયુક્ત ઉત્પાદન એ વાતની સાબિતી છે કે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છે.

ખેડૂત  લક્ષ્મણભાઈ રાઠવા સાથેના સંવાદ દરમિયાન રાજ્યપાલએ તેમના અનુભવો જાણ્યા હતા અને ગૌ-સંવર્ધન, જમીનની ફળદ્રુપતા, સ્વાસ્થ્ય સુરક્ષા સહિતના મહત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ મદદનીશ કલેકટર ઈ.સુસ્મિતા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, ગ્રામ સરપંચ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version