વિસનગર, 8 ઓગસ્ટ 2026 : Natural farming is the best option to restore soil fertilit મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ APMC વિસનગર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પરિસંવાદ અગાઉ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગર APMC ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશથી આપણી ફળદ્રુપ જમીન પથ્થર અને બંજર બની ગઈ છે. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા નાશ પામ્યા છે તેમજ પક્ષીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થઈ રહી છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરવાને બદલે પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે આ કુદરતી વિનાશનું પ્રત્યક્ષ પરિણામ છે.
જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતીને જ એકમાત્ર ઉત્તમ વિકલ્પ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, સાચી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી પ્રથમ વર્ષથી જ રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન મળે છે અને ત્યારબાદ તેને ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થાય છે. પોતાના અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીમાં પ્રતિ એકર રૂ. ૨૦,૦૦૦ નો ખર્ચ આવે છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં માત્ર રૂ. ૨,૦૦૦ નો ખર્ચ થાય છે. આ પદ્ધતિથી પાણીની પણ ૫૦% બચત થાય છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધતાં જમીન સોના જેવી ફળદ્રુપ બને છે.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક આંદોલન શરૂ થયું છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે માનવ આરોગ્ય અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયું છે. આવા સમયે પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નથી પરંતુ જમીન, પાણી અને જનઆરોગ્યને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
