Site icon Revoi.in

નેપાળઃ પ્રતિનિધી સભાની 5મી માર્ચે યોજાશે ચૂંટણી

Social Share

નેપાળના ઉચ્ચ ચૂંટણી આયોગે 5 માર્ચે યોજાનારી પ્રતિનિધી સભાની ચૂંટણીની તારીખોને મંજૂરી આપી છે. આ અંગે આયોગે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સ્વીકૃત કાર્યક્રમમાં મતદાર નોંધણી, મતદાન અને મતગણતરી સહિતની તમામ મુખ્ય પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમ અનુસાર, રાજકીય પક્ષોને ચૂંટણી માટે 16 થી 26 નવેમ્બર વચ્ચે નોંધણી કરાવવી પડશે. જો કોઈ નવો રાજકીય પક્ષ ચૂંટણીમાં ભાગ લેવા ઇચ્છે, તો તેને 15 નવેમ્બર સુધીમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

ચૂંટણી પ્રચાર માટે પક્ષોને 15 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી, એટલે કે 15 દિવસની મુદત માટે પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, પ્રમાણપ્રતિશત આધારીત ચૂંટણી માટે પક્ષોએ 2 અને 3 જાન્યુઆરી, 2026ના રોજ પોતાની ઉમેદવારી યાદી રજૂ કરવી પડશે. મતદાન 5 માર્ચ, 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે અને મતદાન પૂર્ણ થયા બાદ એ જ દિવસે મતગણતરી શરૂ થશે. ચૂંટણી આયોગે જણાવ્યું કે સમયસર તૈયારી અને વિવિધ હિતધારકો વચ્ચે અસરકારક સહકાર દ્વારા મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવાનો તેનો હેતુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  નેપાળના રાષ્ટ્રપતિ રમચન્દ્ર પૌડેલે પ્રતિનિધી સભા વિઘટિત કર્યા બાદ 12 સપ્ટેમ્બરે નવા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આંતરિક પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ જણાવ્યું છે કે તેમની સરકાર નિર્ધારિત સમયમર્યાદામાં સામાન્ય ચૂંટણી યોજવા પ્રતિબદ્ધ છે. 73 વર્ષીય સુશીલા કાર્કી 12 સપ્ટેમ્બરે નેપાળની આંતરિક પ્રધાનમંત્રી તરીકે શપથ લીધેલી. તેમની નિમણૂક બાદ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને હટાવ્યા બાદ ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધના મુદ્દે યુવાનોના નેતૃત્વ હેઠળના જનરેશન ઝેડ જૂથે ઓલી સરકાર વિરુદ્ધ હિંસક પ્રદર્શન કર્યા હતા.

Exit mobile version