આણંદ, 12 માર્ચ 2026: Nets were installed on the embankments of all three bridges of the Mahisagar river અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વાસદ નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરવાના બનાવો વધતા તંત્ર દ્વારા મહિસાગર નદીના ત્રણેય બ્રિજની પાળી પર ઊંચી જાળી લગાવી દેવામાં આવી છે. જેથી હવે બ્રિજ પર ચડીને કોઈ આપઘાત કરી શકશે નહીં.
વાસદ નજીક નેશનલ હાઈવેના મહીસાગર નદી પરના બ્રિજ પર અવારનવાર આપઘાતની ઘટનાઓ બનતી હતી, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા બ્રિજની પાળી પર ઊંચી જાળી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ સ્થાનિક સાંસદ દ્વારા પણ આ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ હતી. સાંસદની રજૂઆતના પગલે મહીસાગર નદી પર વાસદ નજીક ત્રણ બ્રિજ આવેલા છે. આ ત્રણયે બ્રિજની 6 પાળીઓ ઉપર જાળી લગાવી દેવામાં આવી છે.
સ્થાનિક પોલીસના કહેવા મુજબ હાઈવે પરના મહિસાગર નદીના બ્રિજ પરથી સરેરાશ દર બે દિવસે એક આપઘાતનો બનાવ બનતો હતો, જેમાં કેટલાકના જીવ બચતા હતા તો કેટલાક મોતને ભેટતા હતા. ત્યારે લોકોના જીવ બચાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. નદીમાં આપઘાતના બનાવ બનતા અગાઉ સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ ઉપર બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું હતું કે, જે લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે તો એક તક પોલીસને આપો. તમારી સમસ્યા લઈને આવશો તો ચોક્કસ દૂર કરવાના પ્રયત્ન કરીશું. જીવન એ ઈશ્વરની એક ભેટ છે. તેવું સકારાત્મક વિચારી પોતાના તથા પોતાના પરિવારની ચિંતા કરતા આવું અઘટિત પગલું ન ભરવા અપીલ કરવામાં આવે છે.

