
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છઠ્ઠના તહેવારમાં યમુના નદી પ્રદૂષિત ન થાય તેની ખાતરી કરવા અધિકારીઓને આદેશ કર્યાં છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “યમુનાના ઘાટ પર છઠ્ઠનો તહેવાર પહેલાની જેમ ઉજવવામાં આવશે. તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે કે યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હીની AAP સરકાર છઠ્ઠ પૂજાના સમુદાયિક ઉત્સવ માટે 1100 ઘાટ પર ભંડોળ પૂરું પાડશે. પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો છઠ્ઠ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 28 થી 31 ઓક્ટોબરની વચ્ચે ચાર દિવસીય ઉત્સવ ઉજવવામાં આવશે. આમાં લોકો સૂર્યદેવની પૂજા કરે છે.
કોવિડને કારણે દિલ્હીમાં છઠ્ઠ પૂજા પ્રભાવિત થઈ હતી. આ વર્ષે દિલ્હી સરકાર 1100 ઘાટ પર સમુદાયના મેળાવડા માટે 25 કરોડ રૂપિયા ખર્ચવાની યોજના ધરાવે છે. કેજરીવાલે કહ્યું હતું કે, “2014માં દિલ્હી સરકારે 69 ઘાટ પર છઠ પૂજાની ઉજવણી માટે ફંડ આપ્યું હતું અને તેના પર 2.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 2022 માં, સરકાર 1100 સ્થળોએ છઠ્ઠ પૂજા માટે ભંડોળ આપશે અને 25 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
કેજરીવાલે કહ્યું હતું કે, જ્યાં સ્થાનિક લોકો છઠ પૂજાની સામુદાયિક ઉજવણી કરે છે ત્યાં ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ટેન્ટ, લાઈટ સાઉન્ડ સિસ્ટમ, ખુરશી, ટેબલ, એલઈડી સ્ક્રીન, પીવાના પાણીની જોગવાઈ રહેશે. આ ઉપરાંત દિલ્હી પોલીસના સહયોગથી સુરક્ષા, સીસીટીવી કેમેરા, મોબાઈલ ટોયલેટ, એમ્બ્યુલન્સ અને પાવર બેકઅપની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઘણી જગ્યાએ દિલ્હી સરકાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરશે.
(ફોટો-ફાઈલ)