નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્ય ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું, તેને જાહેર સેવા પ્રત્યેના અતૂટ સંકલ્પ અને સતત પ્રયાસોનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કર્તવ્ય ભવન ફક્ત નીતિઓ અને યોજનાઓના ઝડપી વિતરણમાં મદદ જ નહીં કરે, પરંતુ રાષ્ટ્રના વિકાસને નવી ગતિ પણ આપશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કર્તવ્ય ભવન વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે, રાષ્ટ્ર આપણા શ્રમયોગીઓની અથાગ મહેનત અને નિશ્ચયનું સાક્ષી બન્યું છે જેમણે તેને આકાર આપ્યો છે. તેમણે તેમની સાથે વાતચીત કરતી વખતે ખુશી પણ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ઇમારત પર્યાવરણીય સંરક્ષણ પર સંપૂર્ણ ધ્યાન આપીને વિકસાવવામાં આવી છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ કર્તવ્ય ભવનના પરિસરમાં એક છોડ પણ વાવ્યો હતો.