બાંગ્લાદેશમાં નવી સરકારનો શપથ ગ્રહણ, ભારત તરફથી ઓમ બિરલા હાજરી આપશે
ઢાકા, 16 ફેબ્રુઆરી 2026: બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે નવી સરકારના ગઠન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મંગળવાર, 17 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:00 કલાકે ઢાકા સ્થિત રાષ્ટ્રીય સંસદ ભવનના સાઉથ પ્લાઝામાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના ચેરમેન તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેશે, જેની સાથે જ દેશમાં એક નવા યુગની શરૂઆત થશે.
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વિશ્વભરમાંથી આશરે 1,200 જેટલી હસ્તીઓ ઉમટી પડશે. આ સમારોહમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે ઉપસ્થિત રહેશે. પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહસાન ઇકબાલ હાજરી આપશે. નેપાળના વિદેશ મંત્રી બાલા નંદ શર્મા, શ્રીલંકાના આરોગ્ય મંત્રી નલિંદા જયતિસ્સા અને બ્રિટનના ઇન્ડો-પેસિફિક અંડર-સેક્રેટરી સીમા મલ્હોત્રા પણ સામેલ થશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પણ હાજરી આપે તેવી પ્રબળ શક્યતા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ઓમ બિરલા આ સમારોહમાં ભાગ લેશે. એક નિવેદનમાં જણાવ્યું કે, “ઓમ બિરલાની હાજરી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની ઊંડી મૈત્રી અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સમાન સંસ્કૃતિ અને ઇતિહાસ ધરાવતા પાડોશી તરીકે ભારત તારિક રહેમાનના નેતૃત્વમાં ચૂંટાયેલી સરકારનું સ્વાગત કરે છે.”
12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બીએનપી એ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. 297 બેઠકો પૈકી 209 બેઠકો ઉપર બીએનપીએ જીત મેળવી હતી. જ્યારે જમાત-એ-ઈસ્લામીએ 68 બેઠકો જીતી હતી. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ 7 અને અન્ય પક્ષોએ નાની સંખ્યામાં બેઠકો મેળવી છે. ચટગાંવની બે બેઠકો પર હાઈકોર્ટના આદેશને કારણે પરિણામો હાલ રોકી દેવામાં આવ્યા છે, જોકે ત્યાં પણ BNP ના ઉમેદવારો જ આગળ છે.
જો તારિક રહેમાન વડાપ્રધાન બને છે, તો બાંગ્લાદેશને લગભગ સાડા ત્રણ દાયકા બાદ કોઈ પુરૂષ વડાપ્રધાન મળશે. જોકે, નિષ્ણાતો માને છે કે નવી સરકાર સામે દેશમાં શાંતિ જાળવવી અને વધતા ઇસ્લામી કટ્ટરવાદને ડામવો એ સૌથી મોટો પડકાર રહેશે. અગાઉ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારના 18 મહિનાના કાર્યકાળ દરમિયાન દેશમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કર્યો‘ સૂત્રોચ્ચાર


