
નવું ભારત, નવી રણનીતિ અને કેનેડા ફાઇલ્સના કાળાં પન્નાં
(સ્પર્શ હાર્દિક)
વાત બહુ જૂની નથી. નવા સંસદ ભવનની ઇમારત પર ભારતના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહોના ચહેરાઓ ઉગ્ર હોવાનો વિવાદ અમુક લોકોએ જગાવેલો. એમના મતે અગાઉના રાષ્ટ્રિય ચિહ્નમાં સિંહો નમ્ર કે શાંત દેખાતા હતા. સિંહ જેવા જાનવરના ચહેરાના ભાવ વિશેની ચર્ચા પ્રાણીશાસ્ત્રીઓ પર છોડી દઈએ, પરંતુ આ મુદ્દે એટલું જરૂર કહી શકાય કે જો એ સિંહના ચહેરાઓ કોઈને ઉગ્ર લાગતા હોય તો એનું કારણ ભારતની વિશ્વમંચ પર કોઈનાથી દબાઈને ન રહેવાની અને પોતાના હકની, ન્યાયપૂર્વક વાત રજૂ કરવાની નીતિને ગણી શકાય. વર્તમાન નરેન્દ્ર મોદી સરકારે ઘણી લાંબી રાજદ્વારી કસરતો કરીને શું પરિણામ મેળવ્યાં છે, એ કેનેડિયન વડા જસ્ટિન ટ્રુડોની બદમાશી સામે ભારતે જે દૃઢતાથી કામ લીધું છે એના આધારે સ્પષ્ટ દેખાય છે.
કેનેડા દેશની શાસન પ્રણાલીમાં મુક્ત વિચારધારાઓ અને સાંસ્કૃતિક વૈવિધ્યનો આદર કરવામાં આવે છે, પરંતુ એનું પરિણામ એ આવ્યું છે કે ભારતમાંથી, ખાસ કરીને પંજાબી મૂળના અમુક લોકો દાયકાઓથી ત્યાં જઈને અપરાધ જગતમાં ખૂંપી ગયા. જરૂર નથી છતાં સ્પષ્ટતા કરીએ કે બધાં જ પંજાબી મૂળના લોકોની અહીં વાત નથી. ડ્રગ્સ અને હથિયારોનો કારોબાર, ગેરકાયદેસર લોકોને કેનેડામાં લઈ આવવાનું કૌભાંડ, વગેરેમાં ભારતીય મૂળના કેટલાંક લોકો વર્ચસ્વ જમાવી બેઠાં. સંસારના ભ્રષ્ટ પોલીસ તંત્રમાં આગળ પડતું કહેવાતું, કેનેડિયન પોલીસ તંત્ર એમના પર રહેમનજર રાખે છે. ઉપરથી, વૉટબેન્કના રાજકારણમાં ખૂંપીને જસ્ટિન ટ્રુડો જેવો નેતા કેનેડાની ધરતી પર રહીને પંજાબમાંથી, પંજાબની પ્રજાનું મન જાણ્યા વગર જ, એક કાલ્પનિક દેશ અલગ કરવાની બેહૂદ માંગણી કરનારાઓને છાવરે છે, એમના દબાણમાં આવી ભારતને ત્યાં થયેલી હત્યાઓ માટે દોષી ઠેરવે છે. એ કાલ્પનિક દેશનું નામ વારંવાર લખીને એ વિચારને જ મહત્વ આપવાનું ટાળવા જેવું છે.
જસ્ટિન ટ્રુડો સામે કડક થતાં પહેલાં ભારત સરકારે કેનેડાની ધરતી પર રહી આતંકને પ્રેરતા તત્ત્વો સામે પગલાં લેવાની સતત માંગ કરેલી જ. પરંત એનું કંઈ પરિણામ ન આવ્યું અને સ્થિતિ ઉલટાની વધુ બગડતી દેખાઈ. સારી વાત એ, કે કેનેડા ફાઇલ્સના કાળાં પન્નાંઓ બહાર લાવવામાં જસ્ટિન ટ્રુડો નિમિત્ત બન્યો. વિવાદ શરૂ થયો હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી. ભારતના કાયદાની નજરમાં વૉન્ટેડ નિજ્જરને ટ્રુડો કેનેડિયન નાગરિક ગણાવે છે, પરંતુ વિગતો એવી સામે આવી છે કે તે ગેરકાયદેસર કેનેડામાં ઘૂસેલો અને વારંવારના તિકડમને કારણે એની નાગરિકતાને નકારી દેવામાં આવેલી. ઇન્ટરપોલે પણ નિજ્જર સામે નોટિસ કાઢેલી. જસ્ટિન ટ્રુડો નિજ્જરને પોતાના દેશના નાગરિક તરીકે સ્વીકારી પરોક્ષ રીતે કબૂલે છે કે એની સરકાર એક ત્રાસવાદી તત્ત્વને આશરો આપી એના માટે થઈ ભારત સાથેના સંબંધોને દાવ પર લગાવી રહી છે.
હજુ આ વિવાદ આકાર લઈ જ રહ્યો હતો ત્યાં બીજા સમાચાર આવ્યા કે નિજ્જર જેવા જ આતંકી તત્ત્વ સુખદુલ સિંઘની પણ હત્યા થઈ ગઈ! ઉપરાંત, બલોચિસ્તાનમાં પાકિસ્તાનીઓના દમનના વિરુદ્ધમાં કામ કરતી કરિમા બલોચની ૨૦૨૦માં આઈ.એસ.આઈ. દ્વારા હત્યા થઈ હોવાની તથા ચીનના વિરોધી અને કેનેડામાં આવી ગયેલા વેઈ હુ નામક માણસની હત્યા ૨૦૨૧માં ચીને કરાવી હોવાની વાત પ્રકાશમાં આવી છે. જસ્ટિન ટ્રુડોને આ વાતો ગંભીર ન લાગેલી અને અત્યાર સુધી તેણે કોઈ કકળાટ નથી કર્યો, જે એનો દંભ પ્રગટ કરે છે. ગુપ્ત રીતે આઈ.એસ.આઈ. અને ચીનના ઇશારા પર કામ કરવાનો આરોપ ટ્રુડો પર લાગેલો છે, આથી એ આક્ષેપ પર વિશ્વાસ કરવાનું એક કારણ પણ મળી જાય છે. અર્થતંત્રને સુધારવા, ટેક્સ હળવો કરવા, રિઅલ એસ્ટેટમાં આવેલો ફુગાવો દૂર કરવા પર ધ્યાન આપવાને બદલે ભારત જેવા મિત્ર દેશો સાથે દુશ્મની કરવાની રમત માંડી રહેલા જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા કેનેડામાં પહેલાં કરતાં પણ ઘટી ગઈ છે.
સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કૉન્સ્યુલૅટ પર કાલ્પનિક દેશના સમર્થક આતંકી તત્ત્વોએ હુમલો કરેલો એની સ્મૃતિ હજુ તાજી છે. જસ્ટિન ટ્રુડો અને ઘણાં લોકો કેનેડામાં આતંકવાદી અને અપરાધીઓની થઈ રહેલી હત્યા પાછળ, જાણે આવી ઘટનાનો બદલો લેવાઈ રહ્યો હોય એમ, ભારતનો હાથ જુએ છે. જે રીતે ઇઝરાયેલની મોસાદ વિદેશી ધરતી પર જઈને દુશ્મનોનો ખાતમો કરે છે, એ જ રીતે રૉ પણ ગુપ્ત ઓપરેશન ચલાવી રહી હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે. જસ્ટિન ટ્રુડોની ગણતરી એવી હતી કે કેનેડા જેના પડછાયામાં રહે છે એ પડોશી અમેરિકા તેને આવું નેરેટિવ સેટ કરી ભારત પર દબાણ લાવવામાં સફળ થશે. પરંતુ અમેરિકાનો ઇતિહાસ જ વિદેશી ધરતી પર જઈને પોતાને માફક ન આવે એવા નેતાઓ અને લોકોની હત્યાથી રંગાયેલો છે!
બદલાતાં સમીકરણો પરથી જણાય છે કે અમેરિકા જાહેરમાં ભારત પર વધારે દબાણ કરવાની સ્થિતિમાં નથી. ચીન દિવસે ને દિવસે વધુ આક્રમક થઈ રહ્યું છે ત્યારે દક્ષિણ એશિયામાં અમેરિકાને ભારતની અને ભારતને પણ અમેરિકાની જરૂર તો છે જ. આ નવા સમીકરણને મજબૂત કરવાના માર્ગમાં, કેનેડામાં જ હવે ખાસ કોઈ મહત્વ ન ધરાવતા જસ્ટિન ટ્રુડો જેવા મૂર્ખ નેતાના અહંકારને પંપાળવામાં અમેરિકાને કોઈ ફાયદો ન દેખાય. જીઑપૉલિટિક્સના જાણકારો બીજો તર્ક એવો પણ લગાવી રહ્યા છે કે જસ્ટિન ટ્રુડોને ગુપ્ત રીતે અમેરિકાનો જ સપોર્ટ છે. કેમ કે, અમેરિકા ભારતને મજબૂત કરવામાં મદદરૂપ થવા સાથે, એના પર અંકુશ તરીકે કોઈ ઉપદ્રવકારી તત્ત્વને પણ સાથે રાખશે. જેથી, અત્યારે જે રીતે ચીન ફૂંફાડો મારે છે, એ રીતે જો ભારત પણ ભવિષ્યમાં ફૂંફાડો મારવા જેટલું તાકતવર થાય તો અમેરિકા પાસે એના ઇલાજ હાથવગો રહે. જીઑપૉલિટિક્સની ગેમમાં આ રીતે પ્યાદાંઓ તૈયાર રાખવાની પરંપરા ચાલતી આવી છે. ભારતે એટલે જ આ મુદ્દે સાવચેતીથી ચાલવાનું રહેશે.
જસ્ટિન ટ્રુડોની બેવકૂફી કેનેડા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોને જોખમમાં મૂકી રહી છે. કેનેડામાંથી જ આવાજો જાગી રહ્યા છે કે આ બેવકૂફીથી કેનેડાને આર્થિક નુકસાન થશે. એક દાખલો લઈએ. ભારતના સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં જઈ વસે છે, ખર્ચો કરે છે અને ત્યાંના અર્થતંત્રમાં ખાસ્સું એવું ઈંધણ પૂરી એને ગતિમાન રાખવામાં ફાળો આપે છે. ત્યાં આતંકી તત્ત્વોના ડરથી જો ભારતીયો જતા ઓછાં કે બંધ થઈ જશે તો નુકસાન એમને જ છે. ટ્રુડો સામે નવા ભારતની નવી રણનીતિ વધુ સ્પષ્ટ થતી દેખાય છે; પોતાને વિકસિત અને ‘ફર્સ્ટ વલ્ડ કન્ટ્રી’ કહેતાં રાષ્ટ્રોથી દબાઈને ન રહેવું અને પોતાનું અર્થતંત્ર, પોતાનું મોટું થતું જતું બજાર એક હથિયાર તરીકે વાપરવું. વિશ્વના ઘણા દેશોનું અર્થતંત્ર અત્યારે ગોકળગતિએ આગળ વધી રહ્યું છે, પણ વિદેશીઓની નજરે ભારતમાં વિકાસની ભરપૂર ક્ષમતા રહેલી છે. આ વિકાસની પ્રક્રિયામાં નફો કમાવવાની વિદેશીઓની લાલસાને ભારત પોતાનું હિત સાધવાના સાધન તરીકે ખપમાં લેતું રહેશે એવું હાલ દેખાઈ રહ્યું છે.
hardik.sparsh@gmail.com