
નવી લિકર પોલિસી કેસ: દિલ્હી હાઇકોર્ટે દ્વારા વિજય નાયર અને અભિષેકના જામીન પર સ્ટે મૂકવાનો ઇનકાર.
દિલ્હી : નવી લિકર પોલિસીમાં કૌભાંડ મામલે નવા સમાચાર આવ્યા છે કે દિલ્હી હાઈકોર્ટે હાલમાં બંને આરોપીઓના જામીન પર સ્ટે આપવાની ના પડી છે. આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર અને અભિષેક બોઈનપલ્લીને આપવામાં આવેલ જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં આ જ બાબતે સુનાવણી 1 ડિસેમ્બરે થશે.
દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર બંને આરોપીઓને નોટિસ ફટકારી છે. કોર્ટે કહ્યું કે બંને આરોપીઓ હજુ પણ EDની કસ્ટડીમાં છે, તેથી તેઓ તેમના જામીન બોન્ડ ફાઇલ કરી શક્યા નથી.વળી, , સીબીઆઈએ કહ્યું કે બંને આરોપીઓએ હજુ સુધી જામીન બોન્ડ પણ ભર્યા નથી. આ મામલે તપાસ એજન્સી ટૂંક સમયમાં જ આ કેસમાં બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરશે.
સીબીઆઈએ પોતાની દલીલમાં કહ્યું કે દક્ષિણ ભારતથી દિલ્હીમાં 30 કરોડ રોકડ રકમ આવી, જે પ્રભાવશાળી લોકોને આપવામાં આવી હતી. જો કે તપાસ હજી અત્યંત સંવેદનશીલ તબક્કામાં છે. સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટ પાસેથી નીચલી કોર્ટના જામીનના નિર્ણય પર સ્ટે માંગતી અરજી કરી હતી. સીબીઆઈએ કોર્ટને એમ પણ જણાવ્યું કે બંને આરોપીઓ હાલમાં EDની કસ્ટડીમાં છે.
ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પહેલા 14 નવેમ્બરના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે વિજય નાયર અને અભિષેકની જામીન અરજી સ્વીકારી હતી. બંનેને વ્યક્તિગત બોન્ડ અને 2 લાખ રૂપિયાની જામીન રકમ પર રાહત આપવામાં આવી હતી. જો કે, ED દ્વારા પૂછપરછ માટે કસ્ટડી આપવામાં આવતાં, તેમણે છોડી શકાયા નહોતા. નીચલી કોર્ટના આ જ નિર્ણય સામે તપાસ એજન્સી સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં વિજય નાયર અને અભિષેક બોઈનાપલ્લીની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડ કેસમાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
(ફોટો: ફાઈલ)