કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ઇન્ટરનેટ પર કડક નિયંત્રણ લગાવવાનું શરૂ કર્યું છે. “અનૈતિકતા રોકવા”ના નામે અનેક પ્રાંતોમાં ફાઇબર-ઓપ્ટિક ઇન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ 2021માં સત્તા સંભાળ્યા બાદ તાલિબાનનો આ પ્રકારનો આ પહેલો આદેશ છે. આ નિર્ણય બાદ સરકારી કચેરીઓ, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય ઘરોમાં વાઇ-ફાઇ ઇન્ટરનેટ ઉપલબ્ધ નહીં થાય.. જો કે, મોબાઇલ ઇન્ટરનેટ હાલ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે જરૂરી કામગીરી માટે વિકલ્પ શોધવાની કોશિશ થઈ રહી છે.
નૉર્દર્ન બાલ્ખ (Balkh) પ્રાંતના અધિકારીઓએ વાઇ-ફાઇ બંધ થવાની પુષ્ટિ કરી હતી. ઉપરાંત બગલાન (Baghlan), બદખ્શાં (Badakhshan), કુન્દુઝ (Kunduz), નંગરહાર (Nangarhar) અને તખાર (Takhar)માં પણ ઇન્ટરનેટ એક્સેસ કાપી નાખવામાં આવ્યા છે. નંગરહાર કલ્ચર ડિરેક્ટોરેટના સિદ્દીકુલ્લાહ કુરૈશીએ આની પુષ્ટિ કરી, જ્યારે કુન્દુઝ ગવર્નર ઓફિસે વોટ્સએપ ગ્રુપ દ્વારા સંદેશ મોકલીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.
આ પગલાની આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. અફઘાનિસ્તાન મીડિયા સપોર્ટ ઓર્ગેનાઇઝેશનએ નિવેદન બહાર પાડી જણાવ્યું કે, તાલિબાનના આદેશથી માત્ર લાખો નાગરિકોની માહિતી સુધીની પહોંચ અટકતી નથી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયાના કાર્ય પર પણ ગંભીર ખતરો ઊભો થાય છે.
પાછલા વર્ષે અફઘાનિસ્તાનના સંચાર મંત્રાલયે માહિતી આપી હતી કે દેશમાં 1,800 કિમી લાંબો ફાઇબર-ઓપ્ટિક નેટવર્ક હાજર છે અને 488 કિમીનું વધારાનું વિસ્તરણ પણ મંજૂર થયું હતું. અત્યાર સુધી મોટા ભાગના પ્રાંતોમાં આ સેવા ઉપલબ્ધ હતી, પરંતુ હાલના પ્રતિબંધથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
ઇન્ટરનેટ બંધ થવાથી અભ્યાસ, વેપાર અને મીડિયાનું કામકાજ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સોશિયલ મીડિયા અને સ્વતંત્ર સમાચાર સુધી પહોંચ હવે લગભગ અશક્ય બની ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો આ પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલે તો દેશની આર્થિક અને સામાજિક રચનામાં ગંભીર અસર પડશે.