પશ્ચિમ બંગાળમાં નવી મતદાર યાદી જાહેર, 58 લાખથી વધુ બોગસ નામો હટાવાયા
કોલકાતા, 28 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) બાદ સુધારેલી મતદાર યાદીના પ્રકાશનની પ્રક્રિયા તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુધારેલી મતદાર યાદીની હાર્ડ કોપી જારી કરવામાં આવી રહી છે, જોકે ઓનલાઈન યાદી હજુ સુધી ઉપલબ્ધ કરાઈ નથી.
ચૂંટણી પંચની આ કડક કાર્યવાહી બાદ પશ્ચિમ બંગાળમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2025 સુધી રાજ્યમાં નોંધાયેલા 7.66 કરોડ મતદારોની સંખ્યા ઘટીને હવે 7.08 કરોડ થઈ ગઈ છે. પંચના જણાવ્યા મુજબ, અંદાજે 58 લાખથી વધુ નામો મૃત્યુ, સ્થળાંતર, ડુપ્લિકેશન (બેવડા નામ) અથવા સરનામું ન મળી શકવા જેવા કારણોસર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે.
પ્રકાશિત થયેલી નવી યાદીમાં મતદારોને ત્રણ મુખ્ય શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. માત્ર બાંકુરા જિલ્લામાં જ અંદાજે 1.35 લાખ નામો હટાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. જ્યારે રાજ્યભરમાં હજુ પણ 60 લાખ જેટલા મતદારો ‘લોજિકલ વિસંગતતા’ને કારણે ‘નિર્ણયાધીન’ શ્રેણીમાં છે. આ નામો પર અંતિમ નિર્ણય પૂરક યાદીમાં લેવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં આ SIR પ્રક્રિયા 4 નવેમ્બરથી શરૂ થઈ હતી. રાજકીય વિવાદો, દસ્તાવેજ ચકાસણીના નિયમોમાં ફેરફાર અને કાનૂની પડકારો વચ્ચે ચૂંટણી પંચે 116 દિવસમાં આ અભ્યાસ પૂર્ણ કરી ‘અધૂરી અંતિમ યાદી’ જારી કરી છે. બીજા તબક્કામાં 1.67 કરોડ મતદારોની સુનાવણી કરવામાં આવી હતી, જેમાંથી 1.36 કરોડ મતદારોમાં તાર્કિક ક્ષતિઓ જોવા મળી હતી.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વર્ષ 2002 પછી પ્રથમવાર આ પ્રકારનું રાજ્યવ્યાપી વિશેષ સઘન પુનરીક્ષણ કરવામાં આવ્યું છે. આગામી મહત્વની ચૂંટણીઓ પહેલા મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે આ વૈધાનિક અભિયાન શરૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન


