મમતા બેનર્જીના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળની નીતિ સામે NHRCની લાલ આંખ
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026 : વર્ષ 2010માં જ્યારે મમતા બેનર્જી દેશના રેલ મંત્રી હતા, તે સમયની રેલવે કેટરિંગ નીતિ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. આ નીતિમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને રેલવેના ખાન-પાનના સ્ટોલ અને કેન્ટીનના ટેન્ડરોમાં કથિત રીતે 9.5 ટકા અનામત આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ રેલવે બોર્ડને નોટિસ પાઠવી છે.
‘લીગલ રાઈટ્સ ઓબ્ઝર્વેટરી’ નામની સંસ્થાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, વર્ષ 2010માં તત્કાલીન રેલ મંત્રી મમતા બેનર્જીએ વોટ બેંકની રાજનીતિ અને તુષ્ટિકરણના ભાગરૂપે આઈઆરસીટીસી (IRCTC) ના કેટરિંગ ટેન્ડરોમાં ધર્મના આધારે અનામતની જોગવાઈ કરી હતી. આ જોગવાઈ ભારતીય બંધારણની ભાવના વિરુદ્ધ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, લઘુમતીઓને અપાયેલા આ કથિત અનામતના કારણે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ને મળતા હિસ્સામાં કાપ મુકાયો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા NHRCના સભ્ય પ્રિયંક કાનૂનગોની અધ્યક્ષતાવાળી બેન્ચે રેલવે બોર્ડને આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ 2010ના રોજ રેલવે બોર્ડ દ્વારા નવી કેટરિંગ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. તે સમયે મમતા બેનર્જીએ રેલ બજેટમાં મુસાફરોને ગુણવત્તાયુક્ત ભોજન અને ‘જન આહાર’ કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી હતી. રેલવે બોર્ડના તત્કાલીન કાર્યકારી નિર્દેશક મણિ આનંદ દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું હતું કે આ નીતિ કાયદાકીય અને નાણાકીય મંજૂરી બાદ જ લાગુ કરવામાં આવી છે.
એક દાયકા કરતા પણ વધુ સમય બાદ આ નીતિ ફરી વિવાદમાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે. તપાસ દરમિયાન જો આ આક્ષેપો સાચા સાબિત થશે, તો મમતા બેનર્જીના તે સમયના નિર્ણયો પર મોટા સવાલો ઉભા થઈ શકે છે.


