
- દિલ્હીના રેલવે સ્ટેશન પર ભાગદોડના બનાવ બાદ તંત્ર જાગ્યું
- વધુ ભીડ થાય તો પેસેન્જરને હોલ્ડિંગ એરિયામાં રોકવા કહેવાયું
- અધિકારીઓ – કર્મચારીઓને હેડ ક્વાટર્સ ન છોડવા સુચના
અમદાવાદઃ નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર શનિવારે કુંભમેળામાં જવા માટે થયેલી ભીડ અને ભાગદોડને કારણે 18 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રેલવે બોર્ડ દ્વારા તમામ રેલવે સ્ટેશનો પર સાવચેતી રાખવા અને કૂંભમેળામાં જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખી તમામ રેલવે અધિકારીઓ- કર્મચારીઓને એલર્ટ કરી દેવાની સાથે કોઈને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથે જ તમામ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમમાં નજર રાખવા તેમજ રેલવે સ્ટેશન પર ટ્રેનોમાં થતી ભીડ અંગે દર 4 કલાકે રિપોર્ટ આપવા રેલવે અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે બોર્ડ દ્વારા દિલ્હીના રેલવે સ્ટેશન પર ભાગદોડની ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. અને ફરીવાર આવા બનાવો ન બને તે માટે પુરતી કાળજી રાખવા અને જે રેલવે સ્ટેશનો પરથી કુંભના મેળા માટે ખાસ ટ્રેનો ઉપડતી હોય, એવા રેલવે સ્ટેશનો પર પ્રવાસી ભીડને કંટ્રોલ કરવા માટે તેમજ ધક્કામુક્કી વગર તમામ લોકો સરળતાથી ટ્રેનના કોચમાં બેસે તે માટે આરપીએફ અને જીઆરપીનો પુરતો બંદોબસ્ત રાખવા માટે સુચના આપવામાં આવી છે. તેની સાથે જ સ્ટેશનની ક્ષમતા અને ટ્રેનની ક્ષમતા કરતા વધુ ટિકિટોનું વેચાણ ન કરવા અને જરૂર પડે તો ટ્રેન હાઉસફુલ થઈ ગઈ હોવા અંગે પેસેન્જરોને જાણ કરી ટિકિટનું વેચાણ બંધ કરવા પણ સૂચન કરાયું છે. તમામ સ્ટેશનો પર જ્યાં પેસેન્જરોની ભારે ભીડ જણાય તો પ્લેટફોર્મ પર પેસેન્જરોની એન્ટ્રી અટકાવી તેમને સ્ટેશન બહાર તૈયાર કરાયેલા ટેમ્પરરી હોલ્ડીંગ એરિયામાં રોકવા સમજાવવું અને ટ્રેનનો સમય થાય ત્યારે જ તેમને પ્લેટફોર્મ પર એન્ટ્રી આપવાની રહેશે. પ્રયાગરાજ તરફ જતી તમામ ટ્રેનોના ઉપડવાના સમયે અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ પ્લેટફોર્મ પર હાજર રહી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે રીતે વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે. તેની સાથે જ સંપૂર્ણ સ્ટેશન પરિસરમાં સીસીટીવીની મદદથી સતત નજર રાખવા અને જરૂર જણાય ત્યાં તત્કાલ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવવામાં આવ્યું છે. (File photo)