
મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર ખોટી ઓળખ આપી યુવતીઓ સાથે છેતરપીંડી કરતો નાઈજીરિયન શખ્સ ઝડપાયો
નવી દિલ્હીઃ મેટ્રિમોનિયલ વેબસાઈટ પર NRI તરીકેની ખોટી ઓળખ આપીને યુવતીઓ અને તેમના પરિવારને ફસાવીને નાણા પડાવતા નાઈજીરિયન શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. ગ્રેટર નોઈડાની સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. તેમજ તેણે અત્યાર સુધીમાં 500થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી હોવાનું ખૂલ્યું છે. તેની પાસેથી 46 સિમ કાર્ડ, 50 હજાર મોબાઈલ નંબર, 30 હજાર ઈ-મેલ આઈડી મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીની ભારતીય મૂળની પત્ની સહિત ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે.
સાયબર ક્રાઈમ યુપીના એસપી ડો. ત્રિવેણી સિંહે જણાવ્યું કે, 30 માર્ચે નોઈડામાં રહેતી એક યુવતીએ ફરિયાદ કરી હતી કે તેણે લાઈફ પાર્ટનર ડોટ કોમ પર એક વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. તેણે પોતાની ઓળખ યુકેમાં ડોક્ટર યોગેન્દ્ર જૈન તરીકે આપી હતી. થોડા દિવસની મિત્રતા બાદ તેણે ભારત આવવાની વાત કરી અને 50 હજાર પાઉન્ડ સાથે લાવવાની માહિતી આપી હતી. આ પછી તેણે એરપોર્ટ પર વિદેશી ચલણ સાથે પકડાઈ જવાના બહાને યુવતી પાસેથી રૂ.1.07 લાખની છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને તપાસ કર્યા બાદ ચર્ચિલની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે વર્ષ 2013માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. આ પછી, તે લગ્ન, મિત્રતા અને વિદેશમાં નોકરી અને બિઝનેસ મેળવવા, મોંઘી ભેટ અને વિદેશી ચલણ મોકલવા, લોટરી જીતવા વગેરે રીતે તથા મેટ્રિમોનિયલ વેબસાઈટ પર લોકોને છેતરતો હતો. તેની પાસેથી 10 બેંક ખાતા મળી આવ્યા છે જેમાં 50 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. આરોપીએ અત્યાર સુધીમાં પાંચસોથી વધુ લોકોને છેતર્યા છે.
એસપી ડો. ત્રિવેણી સિંહે જણાવ્યું કે આરોપી પાસેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, સીબીઆઈ, યુનાઈટેડ નેશન, બ્રિટિશ મિનિસ્ટ્રી ઓફ નાણા, યુનાઈટેડ નેશન ઓફ ડ્રગ્સ, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ, રોયલ બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ, સેમસંગ લોટરી, કોકા કોલાનું પ્રમાણપત્ર મળી નકલી દસ્તાજેવ મળી આવ્યા હતા. આરોપી અને તેના સાગરિતો નકલી લેટર હેડનો ઉપયોગ કરીને લોકોને ફસાવતા હતા. તેમજ તેમની પાસેથી નાણા પડાવતા હતા.
એસપી ત્રિવેણી સિંહે જણાવ્યું કે ચર્ચિલ સાયબર ક્રાઈમમાં નિષ્ણાત છે. તેણે એથિકલ હેકિંગનો કોર્સ કર્યો છે. આ કોર્સ ચર્ચિલે નાઈજીરિયામાં કર્યો હતો અને ભારતમાં આવ્યા પછી પણ તેને અપડેટ કરી રહ્યો હતો. આ માટે તેણે હેકીંગની પુસ્તકો એકત્ર કરી હતી. આ ટોળકીએ લખનૌ યુનિવર્સિટીની એક મહિલા પ્રોફેસર પાસેથી એક કરોડ સાત લાખ રૂપિયા અને આગ્રા મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પાસેથી 46 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ચર્ચિલના લેપટોપ અને મોબાઈલની તપાસ કરવામાં આવી ત્યારે સાયબર ક્રાઈમ સ્ટેશનની ટીમ પણ ચોંકી ઉઠી હતી. તેના લેપટોપ અને મોબાઈલમાંથી 50 હજાર લોકોના મોબાઈલ નંબર મળી આવ્યા હતા. તેમજ 30 હજાર ઈમેલ આઈડી અને તેના પાસવર્ડ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે ઈમેલ અને મોબાઈલ નંબર દ્વારા જ છેતરપિંડી કરતો હતો. તેણે નવ વર્ષમાં મોબાઈલ નંબર એકઠા કર્યા હતા. આમાંના મોટાભાગના નંબર અને ઈમેલ આઈડી ભારતીય લોકોના છે. જેમાં મોટાભાગની મહિલાઓ છે.