
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાધૂનિક નવ ઓપરેશન થિયેટર્સ તંત્રના વાંકે ધૂળ ખાય છે
અમદાવાદઃ રાજ્યમાં લોકોની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે પણ તંત્રની આળસ અને અનઆવડતને લીધે સરકારી યોજનાઓનો પુરતો લાભ લોકોને મળતો નથી. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 26 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યાં છે. ટ્રોમા સેન્ટરના ત્રણ, ચાર અને પાંચમા માળે આવેલાં ઓર્થોપેડિક, ઇએન્ડટી તેમજ સર્જરી વિભાગના 21માંથી 9 ઓપરેશન થિયેટરનું સ્ટ્રકચર ઉભું કરી દેવાયું છે. પરંતુ, ઓપરેશન થિયેટરમાં સર્જરી માટે એનેસ્થેશિયા ટ્રોલી, ઓપરેશન ટેબલ અને સર્જરીના સાધનો ન હોવાથી રૂ. 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા 9 ઓપરેશન થિયેટર ધૂળ ખાય છે અને દર્દીને સર્જરી માટે રાહ જોવાની ફરજ પડી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રાજ્ય સરકારે ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચમા માળ સુધી વિવિધ વિભાગના 26 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યા છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલાં પાંચ ઓપરેશન થિયેટર કાર્યરત છે. પરંતુ, ટ્રોમા સેન્ટરના ત્રીજા, ચોથા અને પાંચમા માળે આવેલા 21માંથી 9 ઓપરેશન થિયેટરનું સ્ટ્રકચર તૈયાર છે. પરંતુ, ઓપરેશન થિયેટરમાં સર્જરી માટેના જરૂરી સાધનોને અભાવે સર્જરી માટે દાખલ થતાં દર્દીને ચાર દિવસથી અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે. એટલું જ નહિ, ડોકટરોએ જુના ઓપરેશન ટેબલ અને એન્સેથેશિયા ટ્રોલી વાપરવી પડતી હોવાથી ઓપરેશન થિયેટરની કાર્પેટ ફાટી જતી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઓપરેશન થિયેટરમાં સાધનો સિવાય બધું ગોઠવાઈ ગયું છે ઓપરેશન લાઇટ, સ્ટેઇનલેસ સ્ટીલની વોલ પેનલ, એન્ટિબેકટેરિયલ પેઇન્ટિંગ, સ્ટેઇનલેસ સીલિંગ, ઓટી લાઇટ, ટેબલની આજુબાજુ ફરી શકે તેવું પેન્ડન્ટ, એન્ટિસ્ટેટીક કન્ડકટીવ ફ્લોરિંગ, સર્જન પેનલ, ઓપરેશન થિયેટરનો મુખ્ય દરવાજાનો સમાવેશ થાય છે. ટ્રોમા સેન્ટરનાં પાંચમા માળે સર્જરીના 9માંથી માત્ર 5 ઓ.ટી. ચાલુ છે. ચોથા માળે આવેલાં ઓર્થોપેડિક અને ત્રીજા માળે આવેલાં ઇએન્ડટી-પ્લાસ્ટિક સર્જરી માટેના અંદાજે પાંચ જેટલાં ઓપરેશન થિયેટરનું સ્ટ્રકચર તૈયાર છે, પણ જરૂરી સાધનોને અભાવે સર્જરી થઇ શકતી ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે.