
નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ.1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ
ભોપાલ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી ગોપાલ ભાર્ગવ, બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગડકરીએ કહ્યું કે મંડલા અને કાન્હા નેશનલ પાર્કની પ્રાકૃતિક સુંદરતા હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે.આ રોડ પ્રોજેક્ટ્સના નિર્માણથી આ વિસ્તાર અને તેના વનવાસીઓને વધુ સારી સુવિધા મળશે. આ પ્રોજેક્ટ મંડલાને જબલપુર, ડિંડોરી, બાલાઘાટ જિલ્લાઓ સાથે સારી રીતે જોડશે.
મંત્રીએ કહ્યું કે,આ માર્ગોના નિર્માણથી પચમઢી, ભેડાઘાટ અને અમરકંટક જેવા ધાર્મિક સ્થળો તેમજ જબલપુરથી અમરકંટક થઈને બિલાસપુર, રાયપુર અને દુર્ગ તરફનો ટ્રાફિક સરળ બનશે.નજીકના પ્રદેશો અને રાજ્યોમાંથી કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવામાં આવશે અને આનાથી સમય અને ઇંધણની બચત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગડકરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમારી સરકાર મધ્યપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ સુનિશ્ચિત કરવા તરફ સતત આગળ વધી રહી છે.