
અમદાવાદમાં શ્યામલથી પ્રહલાદનગર સુધીના રોડ પર પાર્કિંગ કરાતાં 11 બિલ્ડિંગોના 911 એકમોને નોટિસ,
અમદાવાદ: શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. લોકોને પોતાના ઘર પાસે પાર્કિંગની જગ્યા મળતી નથી. જેમાં શ્યામલથી પ્રહલાદનગર રોડ પર તો એવી હાલત છે. કે, વર્ષો પહેલા ફ્લેટ્સ કે એપાર્ટમેન્ટ બનાવેલા હોવાથી તત્કાલિન સમયે બિલ્ડરોએ પાર્કિંગની પુરતી વ્યવસ્થા ઊભી કરી નહતી. હવે ફોરવ્હીલ વાહનો ઘરદીઠ હોવાથી વાહનો પાર્ક ક્યાં કરવા તે મોટો પ્રશ્ન છે. આથી મોટાભાગના ફ્લેટધારકો પોતાના એપાર્ટમેન્ટની બહાર રોડના ફુટપાથ પર પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ પર પાર્કિંગ કરનારા 11 જેટલા બિલ્ડિંગોના 410 રહિશો અને 911 એકમોને નોટિસ આપી હતી. ફુટપાથની બહાર વાહનો પાર્ક કરનારા પાસે રૂપિયા 9000નો દંડ વસુલવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટે બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકા સહિત રાજ્ય સરકારની નબળી કામગીરી પર આકરું વલણ બતાવ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટના આદેશ અને પાર્કિગ પોલિસી અંતર્ગત 410 રહેણાક મકાન અને ધંધાકીય એકમ મળી કુલ 911 એકમને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર આડેધડ પાર્કિગ કરનાર વાહન પણ લોક કરી 9 હજારનો દંડ વસુલાત કરવામાં આવ્યો છે. શહેરના ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા 28 નાના મોટા દબાણો દૂર કરાયા હતા.
અમદાવાદ શહેરના સેટેલાઈટમાં આવેલા કેનયુગ ચારરસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર ગેરકાયદે પાર્કિંગ કરવા બદલ મ્યુનિ.એ 11 બિલ્ડિંગના 410 ફ્લેટ અને 501 દુકાનો મળી કુલ 911 યુનિટને રોડ પર પાર્કિંગ નહીં કરવા નોટિસ આપી છે. જો રોડ પર પાર્કિંગ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવાની ચેતવણી અપાઈ છે. શહેરભરમાં રોડ પર વાહનો પાર્ક કરતી 180 મોટી બિલ્ડિંગો છે. હવે આ તમામને નોટિસ આપવાનું શરૂ કરાશે. દક્ષિણ પશ્ચિમ ઝોને આપેલી નોટિસમાં સેટેલાઈટના 911 યુનિટને કહેવામાં આવ્યું છે કે, રોડ પર પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. માટે વાહનો યોગ્ય સ્થળે કે બિલ્ડિંગની જગ્યામાં જ પાર્ક કરવા જણાવવામાં આવ્યું છે. જે બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે તેમાં સચિન ટાવર, સંજય ટાવર, શ્યામલ યુનિક્સ કોમ્પ્લેક્સ, જ્યોતિ પ્લાઝા, ટ્રિનિટી સ્કૂલનો સમાવેશ થાય છે. આ રોડ પર ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક એ હદે અવરોધાય છે કે, સામાન્ય સંજોગોમાં વાહનચાલક 5-7 મિનિટમાં નીકળી શકે તેને બદલે બમણો સમય લાગતો હોય છે. તમામ બિલ્ડિંગોને પાર્કિંગ માટે જગ્યા કરવા ઓટલા, લેન્ડ સ્કેપિંગ અને આડશો તાત્કાલિક દૂર કરવાનું નોટિસમાં કહેવામાં આવ્યું છે. રોડ પર પાર્ક કરાયેલાં 18 વાહનોને લોક મારી 9 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.