1. Home
  2. ગુજરાતી
  3. મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ માફિયા અલ મેંચો ઠાર: ગેંગે દેશમાં ખુલ્લું યુદ્ધ છેડતા હિંસા ભડકી
મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ માફિયા અલ મેંચો ઠાર: ગેંગે દેશમાં ખુલ્લું યુદ્ધ છેડતા હિંસા ભડકી

મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં કુખ્યાત ડ્રગ માફિયા અલ મેંચો ઠાર: ગેંગે દેશમાં ખુલ્લું યુદ્ધ છેડતા હિંસા ભડકી

0
Social Share

મેક્સિકો સિટી, 23 ફેબ્રુઆરી 2026 : મેક્સિકોની સેનાએ એક મોટી સફળતા મેળવતા દેશના સૌથી તાકાતવર અને ખતરનાક ડ્રગ માફિયા નેમેસિયો ‘અલ મેંચો’ ઓસેગુએરાને એક ઓપરેશનમાં ઠાર માર્યો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ અલ મેંચોની ગેંગના સભ્યોએ સેના સામે ખુલ્લું યુદ્ધ છેડી દીધું છે, જેના પગલે દેશના વિવિધ ભાગોમાં હિંસાની આગ ભભૂકી ઉઠી છે. સેનાના નિવેદન મુજબ, જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) નો ૫૯ વર્ષીય લીડર ઓસેગુએરા જલિસ્કોના તપાલપા શહેરમાં સૈનિકો સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને મેક્સિકો સિટી લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું.

ઓસેગુએરા એક કુખ્યાત ગુનેગાર હતો અને તેના માથા પર અમેરિકાએ ૧૫ મિલિયન ડોલરનું ઇનામ ઘોષિત કર્યું હતું. તેની જલિસ્કો કાર્ટેલ ગેંગ મેક્સિકોની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ પૈકીની એક છે, જે મુખ્યત્વે અમેરિકામાં ડ્રગ્સ સપ્લાય કરે છે. આ ગેંગની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેક્સિકોના કેટલાક વિસ્તારો પર તેમનો સીધો કબજો છે, જ્યાં મેક્સિકન સરકારના નહીં પરંતુ ગેંગના પોતાના કાયદા ચાલે છે.

પોતાના લીડરના મોતનો બદલો લેવા માટે ગેંગના સશસ્ત્ર સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા છે. પશ્ચિમી જલિસ્કો રાજ્યમાં તપાલપા સહિત ૨૦થી વધુ મુખ્ય રસ્તાઓ જામ કરી દેવામાં આવ્યા છે અને અનેક કાર તથા ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી છે. હિંસા માત્ર એક રાજ્ય પૂરતી સીમિત ન રહેતા અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ છે. રાજ્યની રાજધાની ગ્વાડલહારાની સડકો પર સન્નાટો છવાઈ ગયો છે. દુકાનો, ફાર્મસી અને ગેસ સ્ટેશનો સજ્જડ બંધ કરાવી દેવાયા છે. રસ્તાઓ પર હથિયારધારી ગેંગના સભ્યો આતંક મચાવી રહ્યા છે. એક સ્થાનિક ગેસ સ્ટેશનના કર્મચારી મારિયા મદીનાએ જણાવ્યું કે, બંદૂકધારીઓ અચાનક ધસી આવ્યા અને તમામ લોકોને તાત્કાલિક બહાર નીકળી જવા આદેશ આપ્યો હતો.

મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર રાજ્યના અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. સેનાના જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક ઓપરેશન મેક્સિકોની મિલિટરી ઇન્ટેલિજન્સ અને અમેરિકી (US) અધિકારીઓ પાસેથી મળેલી સચોટ બાતમીના આધારે સંયુક્ત રીતે પાર પાડવામાં આવ્યું હતું. આ અથડામણમાં ઓસેગુએરા ઉપરાંત ૬ શંકાસ્‍પદ કાર્ટેલ ગનમેન પણ માર્યા ગયા છે અને ૩ સૈનિકો ઘાયલ થયા છે. સેનાએ ઘટનાસ્થળેથી વિપુલ પ્રમાણમાં ઘાતક હથિયારો પણ જપ્ત કર્યા છે.

અલ મેંચોની ગણતરી સિનાલોઆ કાર્ટેલના સ્થાપક જોકિન ‘અલ ચાપો’ ગુઝમેન અને ઇસ્માઇલ ઝામ્બાડા પછીના સૌથી મોટા મેક્સિકન ડ્રગ લોર્ડ્સમાં થતી હતી (આ બંને હાલ અમેરિકાની જેલમાં સજા ભોગવી રહ્યા છે). મેક્સિકોમાં વણસેલી હિંસક સ્થિતિને પગલે ભારત સહિત અનેક દેશોએ ત્યાં રહેતા પોતાના નાગરિકોની સુરક્ષા માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે.

આ પણ વાંચોઃ નેપાળમાં ગમખ્વાર અકસ્માત: બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 17 મુસાફરોના મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code