HomeગુજરાતીJNU ફરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મધરાતે પથ્થરમારો અને હિંસક અથડામણ, 14થી વધુ...

JNU ફરી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મધરાતે પથ્થરમારો અને હિંસક અથડામણ, 14થી વધુ છાત્રો ઘાયલ

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં મોડી રાત્રે ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી. વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં પથ્થરમારો અને લાકડીઓ ઉછળતા 12થી14 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સેફદરજંગ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ડાબેરી સંગઠનો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ એકબીજા પર હુમલો કરવાનો અને ‘મોબ લિંચિંગ’નો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યરાત્રિ બાદ આ હિંસા શરૂ થઈ હતી. JNU વિદ્યાર્થી સંઘ (JNUSU) દ્વારા વાઈસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતના રાજીનામા અને વિદ્યાર્થીઓના નિષ્કાસન આદેશ રદ કરવાની માંગ સાથે ‘સમતા જુલૂસ’ કાઢવામાં આવ્યું હતું. ડાબેરી સંગઠનો (SFI અને AISA)નો આરોપ છે કે જ્યારે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારે વહીવટીતંત્રના ઈશારે ABVPના કાર્યકરોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.

બીજી તરફ, ABVP એ આ તમામ આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે હિંસાની શરૂઆત ડાબેરી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ABVP નેતા અને JNUSU જોઈન્ટ સેક્રેટરી વૈભવ મીણાએ સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, “400 જેટલા નકાબપોશ લોકોના ટોળાએ અભ્યાસ કરી રહેલા સામાન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ જીવ બચાવવા બાથરૂમમાં છુપાઈ ગયા હતા, ત્યાં પણ દરવાજા તોડીને છરી અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.” ABVP નેતા વિજય જયસ્વાલને 100-150 લોકોના ટોળાએ ઘેરીને માર માર્યો હોવાનો પણ દાવો કરાયો છે. ઘટના સમયે કેમ્પસમાં દિલ્હી પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ્સ હાજર હોવા છતાં તેઓ મૂકપ્રેક્ષક બની રહ્યા હોવાનો આક્ષેપ બંને પક્ષોએ કર્યો છે. જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ પક્ષ તરફથી સત્તાવાર ફરિયાદ મળી નથી.

AISA સંગઠન મુજબ, કુલપતિના રાજીનામા અને દલિત વિરોધી ટિપ્પણીઓના વિરોધમાં છેલ્લા ૭-૮ દિવસથી હડતાળ ચાલી રહી હતી, જેણે રવિવારે રાત્રે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલ કેમ્પસમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. JNU વહીવટીતંત્રે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે.

સંબંધિત લેખો

Most Popular