- બાળકોમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહ્યું છે,
- બાળકોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગના દર્દીઓ વધતા જાય છે,
- બાળકોમાં મોબાઈલ-ટીવીને લીધે રમત-ગમતની પ્રવૃતિ ઘટી ગઈ છે,
અમદાવાદઃ આજે વધુ ઉંમરના લોકો જ નહીં પણ બાળકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધતું જાય છે. બાળકોમાં મેદસ્વીતા વધવાનું કારણ જંકફુડ અને ચરબીવાળા ખોરાકનું વધુ પ્રમાણ તેમજ મોબાઈલ કે ટીવીને કારણે બેઠાડુ જીવન અને રમત-ગમત જેવી પ્રવૃતિનો અભાવ કારણભૂત હોવાનું તબીબો કહી રહ્યા છે.
આજના આધુનિક અને ટેક્નોલોજી આધારિત યુગમાં બાળકોમાં મેદસ્વીપણું એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહ્યું છે.શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો, જંકફૂડની ટેવ, અને વધતો સ્ક્રીન ટાઈમ આ બધું મળીને બાળકોમાં વજન વધારવાનું મુખ્ય કારણ બને છે. બાળપણની મેદસ્વીતા માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ આગામી જીવનમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી બીમારીને આમંત્રણ આપી શકે છે.
તબીબોના કહેવા મુજબ ખોરાકની ખોટી ટેવ જેવા કે જંક ફૂડ, કોલ્ડ ડ્રિંક, ચિપ્સ, પિઝા, બર્ગર અને મીઠાઈનો અતિરેક.ફળ, શાકભાજી અને દાળ જેવી પોષણયુક્ત વસ્તુઓનો અભાવ રાત્રે મોડું ખાવું અને વારંવાર નાસ્તો કરવો. મોબાઈલ, ટીવી, ટેબલેટ અને કમ્પ્યુટરમાં વધારે સમય વિતાવવો. રમવાની શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવો. બાળકો મોટા ભાગે ઘરના વાતાવરણથી શીખે છે. જો માતા-પિતા પણ ફાસ્ટફૂડ ખાય, કસરત ન કરે, તો બાળક પણ એ ટેવો અપનાવે છે. તણાવ, ડિપ્રેશન અથવા એકલતામાં બાળકો ખાવામાં આશ્રય લે છે, જેને ઇમોશનલ ઇટિંગ કહે છે. કેટલાક બાળકોમાં હોર્મોનલ અસંતુલન (જેમ કે થાયરોઈડ) અથવા વારસાગત પરિબળો પણ મેદસ્વીપણું વધારવામાં ફાળો આપે છે.
તબીબોના મતે સંતુલિત અને પોષણયુક્ત આહાર આપવો જોઈએ. રોજ ફળ અને લીલાં શાકભાજી, દૂધ, દાળ તેમજ આખા અનાજનો પણ સમાવેશ કરો. જંકફૂડ અને કોલ્ડ ડ્રિંકનું સેવન સપ્તાહમાં એક વારથી વધુ ન થાય તેની કાળજી લો. સવારે નાસ્તો ક્યારેય ચૂકો નહીં. ઘરેલું ખોરાકને પ્રોત્સાહન આપો. રોજ ઓછામાં ઓછા 60 મિનિટ આઉટડોર રમતો જેમ કે સાયકલ ચલાવવી, દોડવું, તરવું અને કૂદકાં મારવા જેવી રમતો પણ રમવી જરૂરી છે. સ્ક્રીન ટાઈમ દરરોજ 1–2 કલાકથી વધુ ન થવો જોઈએ. બાળકો માટે સ્વસ્થ ખોરાક તૈયાર કરો અને સાથે ખાવાની ટેવ પાડો. પોતે કસરત કરીને ઉદાહરણ પૂરું પાડો. રમતો અને યોગા માટે નિયમિત સમય રાખવો. “સ્વસ્થ બાળપણ એટલે સ્વસ્થ ભારત” દરેક માતા-પિતાએ પોતાના બાળકના ખોરાક, રમત અને સ્ક્રીન ટાઈમ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનું મહત્વ સમજવું જોઈએ. નાના પ્રયાસોથી પણ બાળકોને મેદસ્વીતાથી દૂર રાખી શકાય છે.