1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. તેલ વગરનું ચટપટું હિંગવાળું કેરીનું અથાણું: સ્વાદમાં બેજોડ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
તેલ વગરનું ચટપટું હિંગવાળું કેરીનું અથાણું: સ્વાદમાં બેજોડ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

તેલ વગરનું ચટપટું હિંગવાળું કેરીનું અથાણું: સ્વાદમાં બેજોડ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

0
Social Share

ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાચી કેરીની સીઝન હોય અને ઘરે અથાણું ન બને તેવું તો ભાગ્યે જ બને. ગુજરાતી ઘરોમાં વર્ષોથી દાદી-નાની અને મમ્મીઓ પરંપરાગત રીતે તેલવાળું અથાણું બનાવતા આવ્યા છે, જે વર્ષો સુધી ચાલે છે. પરંતુ, શું તમે ક્યારેય તેલના એક પણ ટીપા વગરનું ‘ચટપટું હિંગવાળું કેરીનું અથાણું’ચાખ્યું છે? જો ન હોય, તો આ વખતે ચોક્કસ ટ્રાય કરજો. આ અથાણું સ્વાદિષ્ટ હોવાની સાથે પેટ માટે પણ હળવું અને ગુણકારી છે. અહીં જાણો તેલ વગરનું કાચી કેરીનું અથાણું બનાવવાની પરફેક્ટ રેસીપી…

  • સામગ્રી

કાચી કેરી- પાંચ કિલો
મીઠું- 200 ગ્રામ
શુદ્ધ હિંગ- 10 ગ્રામ
હળદર- 1 નાની ચમચી
કાશ્મીરી મરચા પાવડર- 100 ગ્રામ

  • બનાવવાની રીત

સૌ પ્રથમ કાચી કેરીને બરાબર ધોઈ લો અને કોરા કપડાથી લૂછીને સુકવી લો. ત્યારબાદ બધી કેરીની છાલ ઉતારી તેને લાંબી ચીરીઓમાં કાપી લો. કાપેલી કેરીમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેને ઢાંકીને 24 કલાક માટે રહેવા દો. મીઠાના કારણે કેરીમાંથી પાણી છૂટું પડશે. 24 કલાક પછી કેરીની ચીરીઓને પાણીમાંથી કાઢી લો અને તેને 2 થી 3 કલાક માટે તડકામાં સુકવો. કેરીમાંથી નીકળેલું પાણી ફેંકી ન દેવું, તેને એક સ્વચ્છ કાચની બરણીમાં ભરી લેવું. હવે બરણીમાં ભરેલા કેરીના પાણીમાંથી એક કપ પાણી અલગ કાઢો અને તેમાં હિંગ ઉમેરી બરાબર ઓગાળી લો. તડકામાં સુકવેલી કેરીની ચીરીઓને એક મોટા વાસણમાં લો. તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું અને હિંગવાળું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને કાચની બરણીમાં ભરો અને ઉપરથી બાકી બચેલું કેરીનું પાણી પણ ઉમેરી દો. બરણીનું ઢાંકણ ચુસ્ત બંધ કરી ઠંડી અને કોરી જગ્યાએ રાખો. થોડા દિવસોમાં અથાણું ચડી જશે અને તૈયાર થઈ જશે.

  • અથાણું લાંબો સમય સાચવવાની ટિપ્સ

અથાણામાં હિંગ હંમેશા સારી ગુણવત્તાની જ વાપરવી, તેનાથી સ્વાદ અને સુગંધ જળવાઈ રહેશે. અથાણું કાઢવા માટે હંમેશા કોરી અને સ્વચ્છ ચમચીનો જ ઉપયોગ કરવો. ક્યારેય હાથથી અથાણું ન કાઢવું. જો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે, તો આ તેલ વગરનું અથાણું 2 થી 3 વર્ષ સુધી તાજું રહે છે. આ અથાણું રોજિંદા ભોજન સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે તેલ વગરનું હોવાથી પચવામાં પણ ખૂબ જ હલકું છે.

આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણી પૂર્વે મતદાર યાદીનું મહા-શુદ્ધિકરણ: 91 લાખ નામો પડતા મુકાયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code