ડીસા-રાધનપુર હાઈવે પર ઓવરબ્રિજમાં ગાબડાં પડતા મરામતનું કામ હાથ ધરાયું
પાલનપુરઃ ડીસા-રાધનપુર નેશનલ હાઇવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાની મરામત શરૂ કરવામાં આવી છે.
હાઈવે ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે રેલવે ઓવરબ્રિજમાં ગાબડુ પડતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી ગયા હતા. અચાનક રેલવે ઓવરબ્રિજમાં નીચેના પીલ્લરમાંથી માટી સરકતા ગાબડું પડ્યું હતું. જ્યાં પ્રાથમિક તપાસ કરતા રેલવે ઓવરબ્રિજની નીચે પ્લેટો સરકી જતા પીલ્લરમાંથી માટી નીકળવા લાગી હતી. જેથી આ અંગે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા અમદાવાદથી બ્રિજ એક્સપર્ટની ટીમે આવીને તપાસ કરી હતી. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઓવરબ્રિજ એક સાઈડ બંધ કરવામાં આવ્યો છે. અને મરામતનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ડીસા-રાધનપુર હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. બ્રિજના પિલ્લારમાંથી માટી નિકળતા પ્લેટો સરકી ગઈ છે. હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક અસરથી એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફીક ડાયવર્ટ કર્યો હતો અને જ્યાં સુધી બ્રિજનું રીપેરીંગ કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી એક તરફનો હાઇવે બંધ રાખવામાં આવશે. ઓવરબ્રિજ પર ગાબડું પડવાની ઘટનાની એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવશે.