- શિક્ષણ ક્ષેત્રે નૂતન પ્રયોગોના પ્રણેતા: રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા સોનલબેન રાવલ
- દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા ગુજરાતના શિક્ષિકા શ્રી હેતલબહેન રાણા
- પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને ‘વિશ્વનાગરિક’ ઘડતા આચાર્ય ડૉ. મહેશ ઠક્કર
રિવોઈ ન્યૂઝ, 4 સપ્ટેમ્બર, 2026 – શનિવારે પાંચ સપ્ટેમ્બર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થશે. પ્રતિવર્ષ આ દિવસે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકને બદલે મિત્ર જેવો વ્યવહાર કરીને અભ્યાસમાં તેમનો રસ જાગે તેવો પ્રયાસ કરનાર શિક્ષકોને પોંખવામાં આવે છે. અને ત્યારે સમાજને આવા શિક્ષકો વિશે જાણકારી મળે છે. તેમની કામગીરીથી સમાજ પરિચિત થાય છે.
શૈક્ષણિક સફર અને ‘સ્લમથી સ્માર્ટ સ્કૂલ’નો અભિનવ બદલાવ
“બાળક જોઈ જે રીઝે, રીઝે બાળક જેને જોઈને, સ્નેહલ સૂરત, વત્સલ મૂરત, હૃદય હૃદયના વંદન તેને!” કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓને પોતાના જીવન અને કાર્યશૈલીમાં સાર્થક કરનાર શિક્ષિકા એટલે શ્રીમતી સોનલબેન પ્રફુલભાઈ રાવલ. માતા શિક્ષક હોવાથી બાળપણથી જ બાળકોમાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાનો સંકલ્પ લઈને આગળ વધેલા સોનલબેને પોતાની ૨૬ વર્ષની દીર્ઘ શૈક્ષણિક કારકિર્દીમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નૂતન પ્રયોગો કર્યા છે. હાલમાં અમદાવાદ કોર્પોરેશનની ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.૩ માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સોનલબેનને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ‘ગુજરાત રાજ્યકક્ષા પ્રાથમિક શિક્ષક વિભાગ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2026’ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

શૈક્ષણિક સફર અને ‘સ્લમથી સ્માર્ટ સ્કૂલ’નો અભિનવ બદલાવ સોનલબેને ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ દસ્ક્રોઈ તાલુકાની ખોડિયાર પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક સેવાઓની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઓગણજ સી.આર.સી.કો-ઓર્ડિનેટર તરીકે ૯ વર્ષ સુધી સેવાઓ આપી શૈક્ષણિક ગુણવત્તા વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો. નિર્ણયનગર અને થલતેજ શાળા નં.૧ માં ફરજ બજાવ્યા બાદ તેઓ ઘાટલોડિયા પ્રાથમિક શાળા નં.૩ માં જોડાયા. ઘાટલોડિયાની આ શાળામાં મુખ્યત્વે શ્રમજીવી અને સ્લમ વિસ્તારના બાળકો ભણે છે. પરંતુ “પ્રત્યેક બાળક મહત્વનું છે” ના ભાવ સાથે સોનલબેને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી શાળાનો કલ્ચરલ અને શૈક્ષણિક માળખો જ બદલી નાખ્યો. તેમના અથાક પ્રયાસોથી આજે આ શાળા અમદાવાદ કોર્પોરેશનમાં માત્ર ભૌતિક જ નહીં, પરંતુ શૈક્ષણિક રીતે પણ એક ઉત્કૃષ્ટ ‘સ્માર્ટ સ્કૂલ’ તરીકે ઉભરી આવી છે.
શિક્ષણમાં નવતર પ્રયોગો અને વર્ગ બહારનું શિક્ષણ
સોનલબેન માત્ર પુસ્તકીય જ્ઞાન આપવાને બદલે પ્રત્યક્ષ અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણના હિમાયતી રહ્યા છે. જેમાં પાઠ્યપુસ્તકના એકમોને સમજાવવા તેઓ બાળકોને રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બેંક, શાકમાર્કેટ, ફાયર સ્ટેશન, ૧૦૮ એમ્બ્યુલન્સ અને ખેતરની પ્રત્યક્ષ મુલાકાત કરાવે છે. બાળકો જીવનકૌશલ્ય શીખી શકે તે માટે પાણીની ટાંકી, ગેસ-કૂકર રીપેર કરનાર, પ્લમ્બર, સાવરણી બાંધનાર અને માળી જેવા કારીગરોની રૂબરૂ મુલાકાત ગોઠવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવાય તે માટે સાયન્સ ડેની ઉજવણી સાથે બાળકોને ISRO અને વિક્રમ સારાભાઈ સેન્ટરની શૈક્ષણિક મુલાકાતે લઈ ગયા છે. તેમજ શૈક્ષણિક કાર્યને રસપ્રદ બનાવવા માટે તેમણે જાતે ૧૦૦થી વધુ શૈક્ષણિક સાધનો બનાવ્યા છે અને બાળકો પાસે ‘વેસ્ટમાંથી બેસ્ટ’ ની પ્રવૃત્તિઓ કરાવી છે. શાળામાં સરસ્વતી પૂજન, બાળકદીઠ ભગવદ્ ગીતાનું વિતરણ, શ્લોક પઠન અને અર્થગ્રહણ જેવી પ્રવૃત્તિઓ થકી બાળકોમાં ધાર્મિક-આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કર્યું છે.
સામાજિક જવાબદારી અને વિશિષ્ટ પહેલ
સામાજિક જવાબદારી અને વિશિષ્ટ પહેલ કરીને સોનલબેન ખોડિયાર શાળામાં વાલી સંપર્ક કરી ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય સુધી લાવ્યા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. ઘાટલોડિયા શાળામાં શ્રમજીવી બાળકોની ગેરહાજરી દૂર કરવા વાલી મીટિંગો યોજી, ક્રિયાત્મક સંશોધન કર્યા અને ૧૦૦% હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા છે. તેમજ વિદ્યાર્થીઓના જન્મદિવસે મીઠાઈ કે ચોકલેટ વહેંચવાની જગ્યાએ શાળા તથા વ્યક્તિગત સ્વચ્છતા માટે બ્રશ અને ઊલિયું જેવા સાધનો ભેટ આપી સ્વચ્છતાની આદત કેળવી છે. ઉપરાંત શાળામાં પક્ષીઓ માટે કૂંડા અને કીચન ગાર્ડન બનાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સોનલબેનની આ નિષ્ઠાવાન સેવાઓને બિરદાવતા તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે, જેમાં પ્રતિભાશાળી પ્રમાણપત્ર (૨૦૨૫), જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (૨૦૨૫), શિક્ષક પ્રતિભા સન્માન – અમદાવાદ કોર્પોરેશન (૨૦૨૫), ચિત્રકૂટ એવોર્ડ (૨૦૨૬) તેમજ ગુજરાત રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૬) તેમજ સોનલબેન રાવલ માને છે કે શિક્ષક તરીકેનું આ કાર્ય એમની ફરજનો એક ભાગ છે. બાળકો, વાલીઓ, આચાર્ય અને સહકર્મીઓના સાથ-સહકારથી જ આ સફળતા શક્ય બની છે. એક પ્રયોગશીલ અને સમર્પિત શિક્ષિકા તરીકે સોનલબેન રાવલ સમગ્ર અમદાવાદ સ્કૂલ બોર્ડ અને ગુજરાતના શિક્ષણ જગત માટે પ્રેરણાસ્રોત બન્યા છે.
શ્રી હેતલબહેન રાણાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક – 2026 માટે પસંદગી
ગુજરાતની એક સરકારી શાળામાં ગ્રીન સ્ક્રીન એ માત્ર ટેકનોલોજી નથી, પણ દીકરીઓ માટે અંગ્રેજી શીખવાનો મંચ છે. અહીં દીકરીઓ આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલે છે, અભિનય કરે છે અને શીખે છે.
ભરૂચની મનુબર પ્રાથમિક કન્યા શાળાના એક વર્ગખંડમાં દીકરીઓ ગ્રીન સ્ક્રીનની સામે ઊભી થાય છે અને અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે.થોડી જ મિનિટો બાદ આ જ દીકરીઓ કાર્ટૂન પાત્રો સાથે કે કોઈ અલગ સ્થળના દૃશ્યમાં જોવા મળે છે. આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વીડિયો બનાવતી એપ્લિકેશન્સની મદદથી શક્ય બન્યું છે. અને આ પ્રયોગ કરી રહ્યા છે શાળાના ભાષા-શિક્ષિકા શ્રી હેતલબેન રાણા.
શ્રી હેતલબેન માટે ટેકનોલોજી એ ભણતરને રસપ્રદ બનાવવાનું સાધન નથી. પણ અંગ્રેજી શીખતી વખતે બાળકોના સંકોચને દૂર કરવાનો એક રસ્તો પણ છે. આ જ પહેલના કારણે ગુજરાત સરકારના ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક-2026’ માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે. હેતલબેન માટે આ સન્માન તેમના બે દાયકાની શિક્ષણયાત્રાનો પડાવ છે. તેમની આ સફરની શરૂઆત તેમની પોતાની માતાની પ્રેરણાથી થઈ હતી.માતાને જોઈને શિક્ષક બનવાનું સપનું તેમણે સેવ્યું હતું.
હેતલબેનની માતા પણ શિક્ષિકા હતાં. બાળપણથી જ તેઓ શાળાના વાતાવરણથી પ્રભાવિત હતાં.ખાસ કરીને શિક્ષકો ચિત્રો દ્વારા બાળકોને જે રીતે સમજાવતા હતા તે તેમને ખૂબ ગમતું હતું. હેતલબેન કહે છે, “મને શાળાનું વાતાવરણ અને શિક્ષકોની ચિત્રો દ્વારા ભણાવવાની પદ્ધતિ ખૂબ ગમતી હતી.
આ અનુભવથી જ તેમના મનમાં શિક્ષક બનવાનું સપનું ઊભું થયું.વર્ષ 2007માં તેમણે નેત્રંગ તાલુકાની કન્યા શાળામાં વિદ્યાસહાયક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.નોકરીની સાથે તેમણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને અંગ્રેજી વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી.વર્ષ 2013માં તેઓ પ્રાથમિક વિભાગમાં અંગ્રેજી અને ભાષા શિક્ષક તરીકે જોડાયા.
છેલ્લા ૧૨ વર્ષથી તેઓ મનુબર પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણ આપી રહ્યાં છે
સમયની સાથે તેમનો વર્ગખંડ પરંપરાગત શિક્ષણની સાથે ડિજિટલ ટેકનોલોજીના નવા પ્રયોગો માટે પણ જાણીતો બન્યો છે.AIની મદદથી જ્ઞાન સાથે ગમ્મતના પ્રયોગ કર્યો હતો. હેતલબેનના એક પ્રયોગમાં Wordwall અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શૈક્ષણિક રમતો તૈયાર કરવામાં આવી છે.તેમના જણાવ્યા મુજબ, અગાઉ આવી રમત તૈયાર કરવામાં અનેક કલાકો લાગતા હતા. હવે AIની મદદથી માત્ર એક મિનિટમાં વિષય આધારિત રમત તૈયાર કરી શકાય છે.
આ નવીન પ્રયોગની ઝોન કક્ષાએ પસંદગી થઈ છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ રમતોનો ઉપયોગ કરી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાંચન અને લેખનમાં મુશ્કેલી અનુભવતા બાળકો માટે તેમણે ‘ક’ થી ‘જ્ઞ’ સુધીના મૂળાક્ષરો આધારિત FLN ડિજિટલ ગેમ્સ પણ બનાવી છે. આ ડિજિટલ રમતોમાં ‘લીડર બોર્ડ’ની સુવિધા હોવાથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા પ્રોત્સાહિત થઈ છે. આ ઉપરાંત, ડાયટ કક્ષાએ માસ્ટર ટ્રેનરને આરપી તરીકે તાલીમ આપતી વખતે પણ તેમનું આ ડિજિટલ કન્ટેન્ટ અન્ય શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ઉપરાંત GCERT દ્વારા પ્રકાશિત સામયિક “જીવન શિક્ષણ” મા શિક્ષણમાં નવીનતા અંગેના પ્રેરણાદાયી 3 લેખ પ્રકાશિત થયેલ છે સાથે જ NCERT મોડયુલ MOTHERS OF DEMOCRACY ના ૪ પુસ્તકનું ભાવાનુવાદ કાર્યમાં યોગદાન આપેલ છે. ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ “દિક્ષા app” મા “ભરૂચ જિલ્લાની સ્થાનિક લોકબોલી” આધારિત કોર્સ તૈયાર કરવા માટે કોર્સ ટીમમા યોગદાન આપ્યુ જે કોર્સ આજે દિક્ષા ઓનલાઇન પ્લેટફોર્મ પર રાજ્યના શિક્ષકો માટે ઉપલબ્ધ છે.
સૌથી અલગ પ્રકારનો પ્રયોગ
હેતલબેનનો સૌથી અલગ પ્રકારનો પ્રયોગ વર્ષ 2022-23માં શરૂ થયો.તેમનો હેતુ હતો કે, વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલવામાં વધુ આત્મવિશ્વાસ અનુભવે.આ માટે તેમણે વર્ગખંડના એક ભાગને જ એક નાના ફિલ્મ સ્ટુડિયોમાં ફેરવી નાખ્યો.ગ્રીન સ્ક્રીન લગાવવામાં આવી અને દીકરીઓને તેની સામે ઊભા રહીને અંગ્રેજીમાં બોલવા અને અભિનય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.
ત્યારબાદ Plotagon અને Arloopa જેવી એપ્લિકેશન્સ અને AIની મદદથી ગ્રીન બેકગ્રાઉન્ડ દૂર કરવામાં આવતો અને તેની જગ્યાએ કાર્ટૂન પાત્રો અથવા અલગ-અલગ આકર્ષક દૃશ્યો મૂકવામાં આવતાં.વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી બોલવું હવે વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ આપવા જેવું નહોતું લાગતું. તે એક નાનકડા અભિનયનો ભાગ બની ગયું હતું.તેમની આ પદ્ધતિની મદદથી દીકરીઓને વ્યક્તિ અને સ્થળ વિશે અંગ્રેજીમાં વાક્યો બનાવવાનું આસાન લાગ્યું.
હેતલબેન માને છે કે, બદલાતા સમયની સાથે શિક્ષકોએ પણ સતત પોતાને અપડેટ કરતા રહેવું જોઈએ.તેમના શબ્દોમાં, “આજે AIનો યુગ છે. જો ટેકનોલોજીની મદદથી કલાકોનું કામ માત્ર એક મિનિટમાં પૂર્ણ થઈ શકે, તો આપણે તેનો સકારાત્મક રીતે સ્વીકાર કરવો જોઈએ અને નવી પેઢીને ભવિષ્ય માટે સક્ષમ બનાવવી જોઈએ.
AI શિક્ષકનો વિકલ્પ નથી
તે એક એવું સાધન છે, જે શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને બાળકો માટે અનુકૂળ બનાવી શકે. શિક્ષણની સાથે શાળાના વિકાસમાં પણ યોગદાન હેતલબેનનું કામ માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત નથી. ગ્રામજનો અને વિદેશમાં વસતા ગ્રામજનોના સહયોગથી તેમણે શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી. ગ્રામ પંચાયતના સહયોગથી શાળામાં બ્લોક અને શેડનું નિર્માણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના પરિસરમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ જાળવણી માટે પણ તેમણે પ્રયાસ કર્યો છે.
હેતલબેનને મળેલું ‘શ્રેષ્ઠ શિક્ષક’નું સન્માન તેમની કામગીરીને પ્રાપ્ત થયેલી સત્તાવાર ઓળખ છે. પરંતુ તેમની આ કહાની માત્ર એક પુરસ્કારની નથી. આ કહાની શિક્ષણ ક્ષેત્રના પરિવર્તનની છે, જે એક વર્ગખંડમાં જોવા મળી રહી છે. હેતલબહેનના પ્રયોગોના કારણે જે દીકરી ક્યારેક અંગ્રેજીમાં બોલતાં સંકોચ અનુભવતી હતી, તે આજે કેમેરાની સામે ઊભી રહીને અંગ્રેજીમાં પોતાની વાત રજૂ કરે છે અને પછી પોતાને એક ડિજિટલ દુનિયાનો ભાગ બનેલી જોઈ શકે છે.વીડિયો તૈયાર થયા પછી ગ્રીન સ્ક્રીન અદ્રશ્ય થઈ જાય છે, પણ ગ્રીન સ્ક્રીને જે આત્મવિશ્વાસ ઊભો કર્યો છે, તે વિદ્યાર્થીનીઓ સાથે રહે છે.
ડેટા, આધુનિક ટેક્નોલોજી અને ભારતીય સંસ્કારોનો સમન્વય સાધી શિક્ષણને નવી દિશા આપતા ડૉ. મહેશ ઠક્કર
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “શિક્ષણ એ માત્ર માહિતી મગજમાં ભરવાનું કામ નથી, પરંતુ તે જીવન ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને વિચારોનું સમન્વય છે.” કોઈ બાળક જ્યારે પહેલીવાર શાળાએ જાય ત્યારે તેનો શિક્ષણ સાથે પરિચય થતો હોય છે, પરંતુ અમદાવાદના ડૉ. મહેશ ત્ર્યંબકલાલ ઠક્કર માટે આ વાત સાવ અલગ હતી. એક શિક્ષક દંપતીના આંગણે જન્મેલા મહેશભાઈ માટે શિક્ષણ એ ઘરના શ્વાસ સમાન હતું. બાળપણમાં રમકડાંની સાથે-સાથે તેમણે માતા-પિતાને પાઠની તૈયારી કરતા, વિદ્યાર્થીઓની પ્રગતિની ચિંતા કરતા અને ‘કોઈ બાળક પાછળ ન રહી જાય’ તેની હૃદયપૂર્વકની કાળજી લેતા જોયા હતા. આ જ સંવેદનાએ તેમના હૃદયમાં એક બીજ વાવ્યું, જેણે આગળ જતાં તેમને માત્ર વ્યવસાયી નહીં, પરંતુ એક સાચા ‘શિક્ષક’ બનાવ્યા. તેમના મતે શિક્ષણ એ ક્યારેય માત્ર નોકરી રહી જ નથી, પણ જીવન સાથે વિકસતી એક જીવંત પ્રક્રિયા છે.
શીખવાની આ અદમ્ય જિજ્ઞાસાએ જ તેમને શિક્ષણમાં અવિરત યાત્રા કરાવી. આ માત્ર ડિગ્રીઓ મેળવવાની દોડ નહોતી, પરંતુ શિક્ષણને, બાળકને અને તેના ઘડતરને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની એક ભાવનાત્મક મથામણ હતી. અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ વિદ્યાલયના આચાર્ય તરીકે છેલ્લા બે દાયકાથી તેઓ શાળાને માત્ર પરીક્ષાના પરિણામો લાવવાનું સ્થળ નહીં, પરંતુ બાળકના વિચાર, સ્વભાવ, સંવેદના અને સર્જનાત્મકતાને આકાર આપતું પવિત્ર પરિસર માને છે.
શાળાના 8 વિદ્યાર્થીઓ આજે અમેરિકાના ‘Student Exchange Programme’માં સંપૂર્ણ પ્રાયોજિત સ્કોલરશિપ સાથે સિલેક્ટ
દરેક બાળક સમાન પરિસ્થિતિમાંથી આવતું નથી, આ કડવી વાસ્તવિકતા ડૉ. ઠક્કરના હૃદયને હંમેશા સ્પર્શતી રહી છે. કોઈ ગરીબ વિદ્યાર્થી આર્થિક તંગી કે પારિવારિક સંજોગોના કારણે ભણતર ન છોડે અને દીકરીઓનું શિક્ષણ અવિરત ચાલુ રહે તે માટે તેઓ સતત વાલીઓ સાથે સંવાદ કરી તેમને સહયોગ અને માર્ગદર્શન આપતા રહે છે. તેઓ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી સંતોષ માનતા નથી, પરંતુ “મારું બાળક આવતીકાલના પડકારોનો સામનો કેવી રીતે કરશે?” એ ચિંતાથી પ્રેરાઈને તેમણે શાળામાં Robotics, STEM, ‘Smart Money Club’ દ્વારા આર્થિક સાક્ષરતા અને NCC જેવી પહેલ શરૂ કરી છે.

મહેશભાઈની આ જ ધગશને કારણે શાળાના 8 વિદ્યાર્થીઓ આજે અમેરિકાના ‘Student Exchange Programme’માં સંપૂર્ણ પ્રાયોજિત સ્કોલરશિપ સાથે સિલેક્ટ થયા છે, જે એક શિક્ષક માટે સૌથી મોટો આત્મસંતોષ છે.
ડૉ. મહેશ ઠક્કરનું સ્વપ્ન છે કે ટેક્નોલોજી માત્ર નિર્જીવ સાધન ન બની રહે, પરંતુ તેમાં માનવીય સંવેદના ભળે. ‘Educational Data Management System’ દ્વારા તેઓ એવા ડેટાને જીવંત કરવા માંગે છે જે ડ્રોપઆઉટના જોખમમાં રહેલા કે પાછળ છૂટી ગયેલા બાળકની પીડા સમજી શકે અને શૈક્ષણિક નિર્ણયોને વધુ જવાબદાર બનાવી શકે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને ભારતીય જ્ઞાનપરંપરાના સમન્વયથી ભારતને ફરી ‘વિશ્વગુરુ’ બનાવવાનું તેમનું સ્વપ્ન માત્ર શબ્દો પૂરતું નથી, પરંતુ એક સતત શીખતા વિદ્યાર્થી તરીકે તેમાં પોતાની આહુતિ આપવાની તેમની તૈયારી છે.
શિક્ષક દિવસના આ પવિત્ર પર્વે, ડૉ. મહેશ ઠક્કરની આ યાત્રા યાદ અપાવે છે કે જ્યારે શિક્ષકના હૃદયમાં વિદ્યાર્થી પ્રત્યેની સાચી સંવેદના અને રાષ્ટ્રનિર્માણની ભાવના જાગે છે, ત્યારે સાચા અર્થમાં આવનારી પેઢીઓનું ઘડતર થાય છે. જેમ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે કહ્યું છે કે, “શિક્ષણ એ એક એવો ઉમદા વ્યવસાય છે જે વ્યક્તિના ચારિત્ર્ય, ક્ષમતા અને ભવિષ્યને આકાર આપે છે.” ડૉ. ઠક્કરની આ જીવનયાત્રા આ વિચારનું જીવંત અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
હેતલબેન માટે સરકારી શાળાના વર્ગખંડમાં AI અને ટેકનોલોજી લાવવાનો હેતુ પરંપરાગત શિક્ષણને બદલવાનો નથી, પરંતુ બાળકોને શીખવાની નવી રીતો પ્રદાન કરવાનો અને તેમની આત્મવિશ્વાસ-વૃદ્ધિનો છે.
શબ્દાંકન: સંજય શુક્લ, પ્રિન્સ ચાવલા


