હેમંત પરમાર, અરવલ્લી
પાવન શ્રાવણ માસની વદ આઠમની પવિત્ર તિથિ એટલે કે જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાગટ્ય દિવસ. આજે સમગ્ર અરવલ્લી જિલ્લો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના રંગે રંગાઈ ગયો છે. પર્વતમાળાઓની ગોદમાં વસેલા આ ઐતિહાસિક જિલ્લાના પ્રત્યેક નગરો અને નાનાં-મોટાં ગામડાંઓમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વની અતિ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ચારેય તરફ કાનુડાના બાળસ્વરૂપને આવકારવા માટે અનેરો હર્ષોલ્લાસ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.
મંદિરોમાં ભક્તો ઉમટ્યા
સવારની મંગળા આરતી સાથે જ જિલ્લાભરનાં તમામ નાના-મોટા મંદિરોમાં ભક્તોનું વિશાળ મહેરામણ ઊમટી પડ્યું છે. મંદિરોને વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પો, રંગબેરંગી રોશની અને આકર્ષક કમાનોથી શણગારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ પોતાના લાડીલા કાનુડાના દર્શન કરવા લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી અને નંદ ઘેર આનંદ ભયોના પાવન નારા ગુંજી રહ્યા છે.
આજે રાત્રિના સમયે સમગ્ર અરવલ્લી જિલ્લામાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલવાની છે. ક્યાંક પરંપરાગત ભજન સંધ્યાનું આયોજન થયું છે, તો ક્યાંક લોકડાયરાની રસધારા વહેશે. અનેક સ્થળોએ ભક્તજનો રાસ અને ગરબાની રમઝટ બોલાવી કાનુડાને રીઝવશે, જ્યારે મધ્યરાત્રિએ મટકી ફોડના રોમાંચક કાર્યક્રમો સાથે લાલાના જન્મને વધાવવામાં આવશે.
જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે નિમંત્રણ
જિલ્લા મુખ્ય મથક મોડાસા ખાતે પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે આયોજકો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. શ્રી સોમનાથ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ વદ આઠમના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવાશે. તેમણે મોડાસા શહેર તથા આસપાસના પંથકની સર્વ ધર્મપ્રેમી જનતાને કાનુડાના આ જન્મોત્સવમાં સહપરિવાર પધારી ઉત્સવનો અલૌકિક આનંદ માણવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
મોડાસામાં શ્રી સોમનાથ મહાદેવ માર્ગ પર માણેકબા સોસાયટીના કોમન પ્લોટ ખાતે આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે રાત્રે ૯:૦૦ કલાકે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તજનો ભક્તિભાવપૂર્વક ગરબે ઘૂમશે. ત્યારબાદ બરાબર મધ્યરાત્રિએ ૧૨:૦૦ કલાકે કાનુડાના જન્મની સાથે જ ઉત્સાહભેર મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. શિવ અને કૃષ્ણના આ પાવન મિલન સમા પર્વ પર ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભજન સંધ્યા અને લોકડાયરાનું આયોજન
બીજી તરફ, વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ શ્યામ સુંદરના જન્મોત્સવને લઈને ભક્તિનો અનેરો માહોલ સર્જાયો છે. શામળાજી વિષ્ણુ મંદિરના ટ્રસ્ટી શ્રી વિવેક શાહે કાર્યક્રમની વિગત આપતાં જણાવ્યું કે, શામળાજી ધામમાં જન્માષ્ટમીની રાત્રિએ ભવ્ય ભજન સંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. શામળાજી વિષ્ણુ મંદિર પરિસરમાં રાત્રે ૮:૩૦ કલાકથી શરૂ થનારી આ સંગીતમય ભજન સંધ્યા અને લોકડાયરો રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી અવિરત ચાલશે. જાણીતા કલાકારો દ્વારા પ્રસ્તુત થનારા કૃષ્ણ ભક્તિના પદો અને ભજનો ભક્તોને ભક્તિરસમાં લીન કરશે.
ત્યારબાદ રાત્રે બરાબર ૧૨:૦૦ કલાકે શામળાજી વિષ્ણુ મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અત્યંત ધામધૂમથી ઊજવવામાં આવશે. રાત્રે બારના ટકોરે શંખનાદ, ઝાલર અને નગારાના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપનું પ્રાગટ્ય થશે, મહાઆરતી કરવામાં આવશે અને ભક્તોમાં પ્રસાદ વહેંચવામાં આવશે.
આ ઉપરાંત ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ગ્રામજનોમાં અનોખો થનગનાટ છે. શેરીએ શેરીએ કૃષ્ણ પારણાં સજાવવામાં આવ્યા છે અને યુવાનો દ્વારા મટકી ફોડની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. મોડી રાત્રે બાર વાગતાં જ સમગ્ર અરવલ્લી જિલ્લો જયઘોષથી ગુંજી ઊઠશે અને ભક્તો કાનુડાના જન્મને વધાવી ભાવવિભોર બની જશે. આમ, આજના પાવન પર્વે સમગ્ર પંથકમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ રચાયો છે.


