Site icon Revoi.in

પ્લેન દૂર્ઘટનામાં વિમાનના 241 પ્રવાસી નહીં પણ તમામ મૃતકોના પરિવારોને એક કરોડ આપશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ગુરૂવારે લંડન જતુ એર ઈન્ડિયાનું એઆઈ 171  વિમાન એરપોર્ટ નજીક તૂટી પડતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. દૂર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને એક કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. પણ વિમાનમાં પ્રવાસી નહોય એવા 37 લોકોના પણ મોત નિપજ્યા હતા. 37 મૃતકના પરિવારજનોને સહાય મળશે કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નહતી. આથી હવે તમામ મૃતકોને TATA ગ્રુપ દ્વારા એક-એક કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના પરિવારને 1-1 કરોડ મળશે તેમજ ઇજાગ્રસ્તોને પણ તમામ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જ્યારે એર ઈન્ડિયા દ્વારા મૃતક મુસાફરના પરિવારને તાત્કાલિક રુ. 25 લાખની સહાય કરવામાં આવશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખીને જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની આ દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરોના પરિવારને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જે સ્થળ પર વિમાન પડ્યું ત્યાં હાજર જે મેડિકલ સ્ટુડન્ટ, ડોક્ટર્સ અને અન્ય લોકોનાં પણ મોત થયાં છે, તો તેમના પરિવારોને મદદ મળશે કે નહીં એ અંગે ચોખવટ કરવા જણાવ્યું હતું. હાલમાં ઇજાગ્રસ્તોની દવાનો ખર્ચ સરકાર અને ખાનગી હોસ્પિટલો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.

IMAના નેશનલ પ્રેસિડન્ટ ડૉ. અનિલ નાયકે જણાવ્યું હતું કે 12 જૂને એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જે બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડ્યું હતું. એના કારણે 4 તબીબે અને એક તબીબની પત્નીએ જીવ ગુમાવ્યો હતો તેમજ હોસ્ટેલમાં કામ કરતા અન્ય કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ટાટા સંસ્થાના એન. ચંદ્રશેખરે જાહેરાત કરી છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને એક-એક કરોડ આપવામાં આવશે, પણ મેડિકલ કોલેજના જે તબીબોએ જીવ ગુમાવ્યા તેમના માટે કોઈપણ પ્રકારની જાહેરાત નથી કરી તેમજ સાથે રહેતા સ્ટાફના મેમ્બર્સ માટે પણ કોઈ જાહેરાત કરાઈ નથી. અમારી વિનંતી છે કે એ લોકો માટે પણ એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરે. આ પછી ટાટાએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારને રૂ. 1 કરોડ આપવાની અને તમામ ઇજાગ્રસ્તોને સારવારની સહાય કરવાનો ઉલ્લેખ કર્યો છે.

ડૉ. અનિલ નાયકે વધુમાં કહ્યું હતું કે જે હોસ્ટેલના બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થવાથી વિદ્યાર્થીઓનાં પુસ્તકો, સાધનો પણ નાશ પામ્યાં છે, એનો પણ સર્વે કરીને આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેમજ 40થી 50 વિદ્યાર્થી, જેઓ ઈજાગ્રસ્ત છે તેમને જો કોઈ શારીરિક ખામી રહે તો એના માટે પણ પેકેજ જાહેર કરવું જોઈએ, ફક્ત મફત સારવાર કરવાથી કંઈ મેળ નહીં પડે. તબીબો માટે આગામી સમયમાં રહેવા માટે જ્યાં સુધી નવી હોસ્ટેલ ન બને ત્યાં સુધી તાત્કાલિક રહેવા માટેની પણ વ્યવસ્થા કરવી જોઈએ.(file photo)

Exit mobile version