Site icon Revoi.in

ધાનેરા નજીક હાઈવે પર રાત્રે લકઝરી બસમાં આગ લાગતા એકનું મોત, 6 ગંભીર દાઝ્યા

Social Share

ધાનેરા, 13 માર્ચ 2026: Luxury bus catches fire on highway at night ઉનાળાની ગરમીને લીધે વાહનોમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક બનાવમાં ગત મોડી રાત્રે  ધાનેરા નજીક નેશનલ હાઈવે પર રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. બસના ચાલકે બસને રોડ સાઈડ પર પાર્ક કરીને પ્રવાસીઓને ત્વરિત બસમાંથી ઉતરી જવાનું કહ્યું હતું, પણ આગ લાગી ત્યારે બસમાં મોટાભાગના પ્રવાસીઓ મીઠી નિંદર માણી રહ્યા હતા. અને એકાએક સફાળા જાગીને ઉતરવા લાગ્યા હતા, પણ આગે પણ જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું, આગના આ બનાવમાં લકઝરી બસના એક પ્રવાસીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે 6 પ્રવાસીઓ ગંભીરરીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે,  રાજસ્થાનના જેસલમેરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસ જ્યારે ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે મધરાતે આશરે 3:30 વાગ્યાના સુમારે અચાનક બસમાં આગ લાગી હતી. આ સમયે મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. જોતજોતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે બસમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. દરવાજેથી બહાર નીકળવું અશક્ય જણાતા અનેક મુસાફરોએ જીવ બચાવવા માટે બસની બારીઓના કાચ તોડી બહાર કૂદ્યા હતા. આ અફરાતફરીમાં એક પ્રવાસી આગની લપેટમાં આવી જતાં તેનું બસની અંદર જ મૃત્યુ થયું હતું. જ્યારે 6 જેટલા પ્રવાસીઓ ગંભીરરીતે દાઝી ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દાઝી ગયેલા તમામ 6 મુસાફરને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના કહેવા મુજબ કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક છે.

ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. અકસ્માતને કારણે હાઈવે પર થયેલો ટ્રાફિકજામને હળવો કરવા પોલીસે જહેમત ઊઠાવી હતી.  આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને ખાનગી બસોમાં ફાયર સેફ્ટીના સાધનોની ઉપલબ્ધતા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Exit mobile version