Site icon Revoi.in

વડોદરાના ડભોઈ-બોડેલી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત, 4ને ઈજા

Social Share

વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના ડભોઇ-બોડેલી રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ડભોઈ-બોડેલી રોડ પર પણસોલી વસાહત પાસે વહેલી સવારે કાર રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં કારચાલકની બાજુમાં બેસેલા આજોડ ગામના કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિઓ બોડેલી ખાતે મિત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપીને વડોદરા પરત ફરી રહ્યા હતા. આ ઘટના અંગે ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે,  વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલા શિવાય રેસીડેન્સીમાં રહેતા હિન્દુકુમાર હસમુખભાઈ નાયકા તથા તેમના બે મામાના દીકરા રાહુલભાઈ રાજુભાઈ નાયકા, દિલીપભાઈ રાજુભાઈ નાયકા તેમજ કરોળિયા ગામમાં રહેતો મિત્ર વિરેન્દ્ર અરવિંદ નાયકા તેમજ આજોડ ગામે રહેતા મિત્ર કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલ રાહુલ નાયકાની કાર લઈને બોડેલી ખાતે રહેતા મિત્ર કલ્પેશ નાયકાના લગ્નમાં ગયા હતા. મિત્રનો વરઘોડો પૂરો થયા બાદ પાંચ મિત્રો કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન ડભોઇ-બોડેલી રોડ ઉપર પણસોલી વસાહત પાસે કાર ચલાવી રહેલા રાહુલ નાયકાને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારચાલકની બાજુમાં બેસેલા આજોડ ગામના કુંવરસિંહ ઉર્ફે પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તે સાથે આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ડભોઇ પોલીસે હિન્દુકુમાર નાયકાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version