Site icon Revoi.in

ચિલોડા હાઈવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત

Social Share

ગાંધીનગર, 12 એપ્રિલ 2026One killed in accident between container and truck  રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચિલોડા-હિંમતનગર હાઈવે પર સર્જાયો હતો. ચિલોડા નજીક હાઈવે પર આગમન હોટલ સામેના રોડ ઉપર કન્ટેનરે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી આઈસર ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  હિમાચલ પ્રદેશના રહેવાસી 48 વર્ષીય સંદીપકુમાર હરનામસિંહ આઈસર ટ્રક લઈને ચિલોડા-હિંમતનગર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ચંદ્રાલા ગામ પાસે આગળ જતા કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા આઈસર ટ્રક કન્ટેનરના પાછળના ભાગે અથડાઈ હતી.આ અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ દિલ્હીથી આવી રહેલા અન્ય ટ્રક ચાલક અને ક્લીનર રાહુલ મદદ માટે દોડી આવ્યા હતા. શરૂઆતમાં આઈસર ટ્રકના ચાલક સંદીપકુમારને સારવાર માટે છાલા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ ઘટનાસ્થળે પરત ફર્યા હતા. પરંતુ થોડીવારમાં જ તેમને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.બાદમાં અચાનક ઉલટીઓ થવા લાગી હતી. જેથી 108 એમ્બ્યુલન્સને ફરી બોલાવવામાં આવી પરંતુ તપાસ કરતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ક્લીનર રાહુલકુમાર બગેલ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Exit mobile version