Site icon Revoi.in

વડોદરા-હાલોલ રોડ પર કારએ સ્કૂટરને અડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

Social Share

વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત વડોદરા-હાલોલ રોડ પર આવેલા ભાવપુરા નજીક સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂટરચાલક 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકની પત્ની સહિત બેને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક સંગમ હોટલમાં જમીને દંપતી સહિત ત્રણ વ્યક્તિ પોતાના સ્કૂટર પર જરોદ નજીકના ભાવપુરા ગામે જતા હતા ત્યારે ભાવપુરા ગામના પાટીયા નજીક પૂરઝડપે ધસી આવેલી બલેનો કારે સ્કૂટરને અડફેટમાં લઇ ઢસડી કાર ડિવાઇડર ઉપર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં સ્કૂટરચાલક 28 વર્ષના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવતીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા કારચાલક સામે જરોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ  વાઘોડિયાના ભાવપુરા ગામે રહેતા ચેતનકુમાર દેવસિંહ ગોહિલ (ઉ.વ. 28) તેની પત્ની તન્વી અને પડોશમાં રહેતા શેતલબેન કિરણભાઇ પઢિયાર મોડી રાત્રે જમવા માટે ગોલ્ડન ચોકડી નજીક આવ્યા હતા અને ત્રણેય જમી મોડી રાત્રે સ્કૂટર પર ભાવપુરા પરત જતા હતા ત્યારે ભાવપુરા ગામના પાટીયા નજીક વળતી વખતે અચાનક પૂરઝડપે ધસી આવેલી બલેનો કારે સ્કૂટરને અડફેટમાં લઇ રોડ ઉપર ઢસડી કાર ડિવાઇડર ઉપર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં સ્કૂટરસવાર  ત્રણેય રોડ ઉપર ફંગોળાયા હતા. જેમાં ચેતનકુમાર ગોહિલને ગંભીર ઇજા થઇ હોવાથી 108ની મદદથી કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડીરાત્રે જ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની અને અન્ય એક યુવતીને ઈજા પહોંચી હતી.જરોદ પોલીસે તન્વી ગોહિલની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા બલેનો કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. એસ.એલ. શેવાળે કરી રહ્યા છે.