
ગાંધીનગરઃ રાજ્યના નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસને લીધે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝૂબંશને કારણે માલધારી સમાજ સરકાર સામે નારાજ થયો છે. તાજેતરમાં અમદાવાદમાં માલધારી સમાજની રેલી પણ યોજવામાં આવી હતી. માલધારી સમાજના અનેક પ્રશ્નો જેવા કે, રખડતા ઢોર નિયંત્રણ કાયદો, ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા તેમજ માલધારીઓને શહેર બહાર પ્લોટ્સ ફાળવવા, ગામડાંઓને શહેરી વિસ્તારમાં મર્જ કરવાનું બંધ કરો, જેવા અનેક પ્રશ્નો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો જે લાવવામાં આવ્યો છે તેને રદ કરાવવા માટે થઈ અને હવે માલધારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. અને આગામી 22મી સપ્ટેમ્બરથી યોજાનારા ગુજરાત વિધાનસભાની સત્રના પ્રથમ દિવસે એક લાખ જેટલા માલધારીઓની વિધાનસભા તરફ કૂચ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં આગામી 22 અને 23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળી શકે છે. આ વિધાનસભા સત્ર દરમિયાન અથવા એક દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા માલધારીઓ ગાંધીનગરમાં ઉમટી પડશે. માલધારીઓ દ્વારા વિધાનસભા તરફ કૂચ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અંગે રણનીતિ ઘડવા માટે ગાંધીનગર નજીક આવેલા ટીંટોળા વડવાળા મંદિરમાં ગુરુવારે માલધારી સમાજના સંતો અને આગેવાનોની એક બેઠક યોજાશે. માલધારી સમાજ આક્ષેપ કર્યો છે કે સરકાર ગુજરાત હાઇકોર્ટમાં ખોટા એફિડેવિટ કરે છે. રાજ્ય સરકારની બેધારી નીતિ છે. એક તરફ ગુજરાત સરકારના પ્રતિનિધિઓ સમાજના આગેવાનો સાથે ફોટા પડાવે અને બીજી તરફ પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા માલધારી સમાજના લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, તાજેતરમાં માલધારી સમાજના સાધુ-સંતો અને આગેવાનોની અમદાવાદમાં બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષોથી માલધારી સમાજના અનેક પ્રશ્નો અને સરકાર દ્વારા જે રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે, તેને હવે જે પણ ચોમાસુ સત્ર કે વિશેષ સત્ર મળે તેમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદાને રદ કરવામાં આવે તેવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી હતી. સાધુ સંતો અને આગેવાનો ભેગા મળી અને આ માટે સરકારને રજૂઆત કરશે. માલધારી સમાજના વર્ષોથી અનેક પ્રશ્નો છે જેનો કોઈપણ પ્રકારનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હવેથી માલધારી સમાજ એક થઈ અને જે પણ પક્ષ માલધારી સમાજની સાથે ઉભો રહેશે તેને માલધારી સમાજ તેની સાથે રહેશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનો દ્વારા મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી કે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય અથવા આમ આદમી પાર્ટી આવી છે તેને પણ કહીશું કે જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેવી બાંયેધરી લેખિતમાં આપશે તેની સાથે માલધારી સમાજ ઊભો રહેશે. કોઈપણ પાર્ટી હોય તેની પાસેથી લેખિતમાં વચન લેવામાં આવે કે તેઓ માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવશે. તેમજ માલધારી સમાજના પાંચ વ્યક્તિઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે. રાજકારણમાં માલધારી સમાજનો આજદિન સુધી માત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. માલધારી સમાજનો આગેવાન કોઈપણ પક્ષમાં હોય તેનાથી સમાજને કોઈ લેવાદેવા નથી પરંતુ જ્યારે માલધારી સમાજનો કોઈ પ્રશ્ન આવે ત્યારે પક્ષાપક્ષી છોડી અને સમાજ એક બને તે જરૂરી છે.
(PHOTO-FILE)