ગુજરાતમાં ફાર્મસી કોલેજોમાં તા.9મીને મંગળવારથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટેશનનો પ્રારંભ
અમદાવાદઃ ગુજરાતમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જ હવે એન્જિનિયરિંગ કોલેજો તેમજ ફાર્મસી કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા ડિગ્રી ઇજનેરી કોલેજોની 68,800 બેઠક પરની ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યવાહીનો તા.2જીને મંગળવારથી પ્રારંભ થયો છે, જેના બે દિવસમાં કુલ 2586 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. આ રજિસ્ટ્રેશન કાર્યવાહી 22 મે સુધી ચાલશે. જ્યારે ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે આગામી તા.9ને મંગળવારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રકીયા શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતા જ ડીગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે પણ આગામી 9મી મેથી રજિસ્ટ્રેશન પ્રકિયા શરૂ કરવામાં આવશે. જે આગામી 5મી જૂન સુધી ચાલશે. ફાર્મસીમાં હાલમાં 9070 બેઠકો ઉપલબ્ધ છે.ધો.12 સાયન્સના પરિણામની સાથે જ ડિગ્રી ઈજનેરીની અંદાજે 68 હજારથી વધુ બેઠકો માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ડિગ્રી ઈજનેરીની સાથે રાજયની 100થી વધુ ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે આગામી 9મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ફાર્મસીમાં ગતવર્ષે સૌથી મોડી પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવી હતી. ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવી કોલેજોને મંજુરી આપવામાં થતાં વિલંબના પગલે સમગ્ર કાર્યવાહી મોડી થતાં પ્રવેશ પ્રકિયામાં પણ ભારે વિલંબ થયો હતો. ગતવર્ષે ફાર્મસીની અંદાજે 1 હજારથી વધારે બેઠકો ખાલી રહી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જેઈઈ મેઈન, ધોરણ 12 સાયન્સ, ગુજકેટ પાસ કરનારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાઓની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ રૂ.350 ફી ભરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંતર્ગત 1 જૂને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત કરાશે. પ્રથમ રાઉન્ડ અલ્ટરેશન અને ચોઇસ ફિલિંગ પ્રક્રિયા 9થી 13મી જૂન દરમિયાન નિર્ધારિત કરાઈ છે. જ્યારે પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટની 16મી જૂને જાહેરાત કરાશે. ઓનલાઈન ટોકન ટ્યૂશન ફી, એડમિશન લેટર 20થી 26 જૂન દરમિયાન અપાશે. (file photo)