લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળવો જોઈએઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર તરીકે એનડીએ નેતા ઓમ બીરલા ચૂંટાયાં હતા. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સાંસદોએ ઓમ બીરલાને શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ પણ ઓમબીરલાને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે શુભેચ્છા પાઠવા સાથે લોકસભા ગૃહમાં વિપક્ષને પણ બોલવાનો અધિકાર મળે તેવી વાત કરી હતી. શિવસેના અને એનસીપીના સાંસદોએ પણ તેમને શુભકામના પાઠવી હતી.
રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર પદે ચૂંટાયેલા ઓમ બીરલાને શુભકામનાઓ પાઠવી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન તરફથી શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકાર પાસે આંકડો છે પરંતુ વિપક્ષ પણ દેશની જનતાઓનો અવાજ છે. એ વાત મહત્વની છે કે, વિપક્ષના અવાજને સદનમાં ઉઠાવવાની મંજુરી આપવી જોઈએ. વિપક્ષ સરકારનો સહયોગ કરવા માટે ઈચ્છે છે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ ઓમ બીરલાને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ કહ્યું હતું કે, તમારો વિપક્ષ ઉપર અંકુશ છે પરંતુ સત્તાધારી પક્ષ ઉપર અકુંશ રહેવો જોઈએ. સદનમાં અમને બોલવાનો અધિકાર મળવો જોઈએ. આપશ્રી જેટલુ સત્તાધારી પક્ષનું સન્માન કરો છો એટલું જ વિપક્ષનું પણ કરશો. શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ અરવિંદ સાવંતે ઓમ બીરલાને શુભેચ્છા પાઠવવાની સાથે મણિપુર હિંસા અને ખેડૂતોના આપઘાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

