
અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રિ-પેઈડ સ્માર્ટ મીટરમાં મહિનાના એવરેજ બિલ પ્રમાણે રિચાર્જ કરાવ્યા બાદ સપ્તાહમાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. ચારેબાજુથી લોકોનો વિરોધ ઊઠ્યા બાદ ગાંધીનગરમાં ઊર્જા વિભાગ દ્વારા સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓના એમડી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વીજ ગ્રાહકોના રોષને ઠંડો પાડવા માટે સ્માર્ટ મીટરો સાથે જુના મીટરો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે કે આ નિર્ણયથી વીજ ગ્રાહકોનો અસંતોષ દુર થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
ગુજરાતમાં સ્માર્ટ મીટરના મામલે લોકોમાં ઉગ્ર વિરોધ થતાં ઊર્જા વિભાગ દ્વારા તાબડતોબ વીજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. અને વીજ ગ્રાહકોનો અસંતોષ દુર કરવા શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાને અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવાશે. લોકોની ગેર સમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવા નિર્ણય કરાયો છે. સ્માર્ટ મીટર સાથે માંગણી કરનાર વીજ ગ્રાહકને વધુ એક મીટર લગાવાશે. જો કે. બન્ને વીજ મીટરોથી વીજ ગ્રાહકોનો અસંતોષ દુર કરી શકાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પણ વડોદરામાં સ્માર્ટ મીટર સામે ભારે વિરોધના પગલે સરકાર હરકતમાં આવી હતી. રાજ્ય સરકારે MGVCLના એમડીને તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. જેમાં ગ્રાહકોના સ્માર્ટ મીટર સામેના તમામ સંશયો દૂર કરવા આદેશ કર્યો છે. સાથે જ ઊર્જા મંત્રી અને સચિવે MGVCLના MD પાસે તમામ વિગતો પણ માંગી હતી. વીજ ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લાગશે.