
હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો બનશે, US સંસદના સંયુક્ત સત્રને સંબોધતા બોલ્યા ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ હાલ અમેરિકાના પ્રવાસે છે.. તેમણે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતું.. આ દરમ્યાન તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે… તેમણે કહ્યું કે હમાસ પરની અમારી જીત ઇરાન માટે મોટો ફટકો સાબિત થશે
- નેતન્યાહુને 2 મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
અગાઉ, હાઉસ સ્પીકર માઈક જોન્સન અને અન્ય રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ યુએસ સંસદમાં આગમન સમયે નેતન્યાહુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન જોન્સને ત્યાં હાજર સાંસદોને સંબોધતા કહ્યું કે માત્ર આજે જ નહીં પરંતુ દરરોજ અમેરિકાએ ઈઝરાયલની સાથે ખભે ખભા મિલાવી ઉભું રહેવું જોઈએ. નેતન્યાહૂને તેમના સંબોધન પહેલા યુએસ કોંગ્રેસમાં બે મિનિટથી વધુ સમય માટે સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું.
- કમલા હેરિસ- જેડી વેન્સ ગેરહાજર રહ્યા
આ સમયગાળા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અને સેનેટ પ્રમુખ કમલા હેરિસ ગૃહમાં હાજર ન હતા. તેમણે અગાઉથી નિર્ધારિત ચૂંટણી મુલાકાતને ટાંકીને સંયુક્ત સત્રમાં રહેવાની ના પાડી દીધી હતી. દરમિયાન, વોશિંગ્ટન સેનેટર પૅટી મરેએ હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં, સેનેટ ફોરેન રિલેશન કમિટીના અધ્યક્ષ સેનેટર બેન કાર્ડિને તેમની જગ્યાએ “સેનેટર પ્રો ટેમ્પોર” તરીકે કામ કર્યું. બીજી તરફ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી જેડી વેન્સે પણ નેતન્યાહૂના ભાષણમાં હાજરી આપી ન હતી. રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ કમલા હેરિસની ગેરહાજરીને વિશ્વાસઘાત ગણાવી હતી.
નેત્યાનાહુએ હમાસ સામે ચાલી રહેલા યુદ્ધનો બચાવ કર્યો. તેમણે હમાસ અને અન્ય ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો સામેના યુદ્ધ માટે યુએસ સમર્થન વધારવાની પણ માંગ કરી હતી. કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા તેમણે ગાઝામાં સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં.
- અમેરિકા-ઈઝરાયલે સાથે ઊભા રહેવું જોઈએ
યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું કે હવે જીત આપણી ખૂબ નજીક છે. હમાસ પરની અમારી જીત ઈરાનને ગંભીર ફટકો આપશે. તેમણે હિઝબુલ્લાહને કચડી નાખવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે અમે અમારા લોકોને સુરક્ષિત રાખવા માટે દરેક જરૂરી પગલાં લઈશું. તેમણે ઈરાનને અમેરિકા અને ઈઝરાયેલ માટે ખતરો ગણાવ્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે આવી સ્થિતિમાં અમેરિકા અને ઈઝરાયલે સાથે ઊભા રહેવું જોઈએ. જ્યારે આપણે સાથે ઊભા રહીએ છીએ ત્યારે બધું ખરેખર સારું છે. આપણે જીતીએ છીએ, તેઓ હારે છે.