Site icon Revoi.in

વડોદરાની સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલના ભોજનમાં જીવડાં અને ઈયળો નીકળતા હોબાળો

Social Share

વડોદરાઃ શહેરમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં હલકી કક્ષાનું ભોજન, ભાજનમાં જીવડા-ઈયળો નીકળતા અને આ મામલે અગાઉ પણ રજુઆતો કરવા છતાંયે કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કોલેજ અને હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થિનીઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવડાં, ઈયળ અને કાંકરા નીકળતાં હોવાની ગંભીર ફરિયાદો કરી હતી.

વડોદરા શહેરમાં સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેમાં રહેતી વિદ્યાર્થિનીઓએ મેસ ફીની રસીદ ન આપવી, એસએન ફંડનો હિસાબ ન આપવો અને પાણીની અપૂરતી સુવિધા જેવી અનેક સમસ્યાઓની પણ રજૂઆત કરી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સત્તાવાળાઓને 10 દિવસમાં આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અલ્ટિમેટમ આપ્યું છે અન્યથા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, કોલેજના પ્રિન્સિપાલે આ આરોપોને ફગાવીને કહ્યું હતું કે આ અંગે અમને કોઈ લેખિત ફરિયાદ મળી નથી.

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં ગેરવહીવટના આરોપોને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ હોસ્ટેલમાં જઈને હલ્લાબોલ કર્યો હતો અને કોલેજના પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆત કરી હતી. યુવરાજસિંહે પુરાવાઓ સાથે કોલેજ સત્તાધીશોને આ મુદ્દે રજૂઆત કરી હતી. આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાંથી પણ અનેક ફરિયાદો ઊઠી હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે આપ નેતા વિરેન રામી અને શીતલ ઉપાધ્યાય જોડાયાં હતાં. યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીને સાથે રાખીને હોસ્ટેલ બહાર વિરોધપ્રદર્શન પણ કર્યું હતું અને ભોજનમાં જીવાત અને પાણીના પ્રશ્નને લઈને ફોટો જાહેર કરીને વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,  દર મહિને એસએન ફંડના નામે 100-100 રૂપિયા દરેક વિદ્યાર્થી પાસેથી વસૂલવામાં આવે છે, એટલે 450 વિદ્યાર્થીઓના 45,000 રૂપિયા થયા છે. તો એ 45,000 રૂપિયા વપરાય છે ક્યાં?  એનો કોઈ હિસાબ નથી, એની કોઈ પાવતી નથી, એની કોઈ રસીદ નથી, અને એનું કોઈ ઓડિટ કરવામાં નથી આવતું, એને કોઈ જગ્યાએ હિસાબ આપવામાં આવતો નથી.

Exit mobile version