AI નો વધુ પડતો ઉપયોગ કરી શકે છે બ્રેઈન ફ્રાય, અભ્યાસમાં ખુલાસો
આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) એ લોકોનું કામ ઘણું સરળ બનાવી દીધું છે, પરંતુ તેનો સિક્કાની બીજી બાજુ ભયાનક છે. તાજેતરમાં 1,488 કર્મચારીઓ પર કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે એઆઈ ટુલ્સનો અતિશય ઉપયોગ કર્મચારીઓમાં માનસિક તણાવ અને થાક પેદા કરી રહ્યો છે. રિસર્ચર્સે આ સ્થિતિને ‘એઆઈ બ્રેઈન ફ્રાય’ નામ આપ્યું છે.
હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ સતત એઆઈ ટુલ્સનો ઉપયોગ કરે છે અથવા એઆઈ દ્વારા કરવામાં આવેલી ભૂલોને સુધારવામાં સતત મગજ કસે છે, ત્યારે મગજ સંપૂર્ણપણે થાકી જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, અનિદ્રા અને સતત માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.
સ્ટડી મુજબ, દરેક ક્ષેત્રના લોકો પર એઆઈ ની અસર એકસરખી નથી. આ યાદીમાં માર્કેટિંગ ક્ષેત્રના લોકો સૌથી વધુ ભોગ બન્યા છે. માર્કેટિંગ ક્ષેત્રમાં 26 ટકા લોકો, હ્યુમન રિસોર્સમાં 19.3 ટકા, ઓપરેશન્સમાં 17.9 ટકા, સોફ્ટવેર ડેવલપર્સ ક્ષેત્રમાં 17.8 ટકા અને કાનૂની ક્ષેત્રમાં સૌથી ઓછા 5.6 ટકા લોકો પ્રભાવિત થયાં છે.
સર્વેમાં સામેલ 14 ટકા કર્મચારીઓએ સ્વીકાર્યું છે કે એઆઈ ના ઉપયોગથી તેમને એક અલગ જ પ્રકારનો થાક લાગે છે, જેને તેઓ ‘માનસિક ધુમ્મસ’ અથવા ‘બ્રેઈન ફોગ’ તરીકે ઓળખાવે છે. આ સ્થિતિમાં વ્યક્તિ ઝડપી નિર્ણય લઈ શકતી નથી અને તેને સતત માથામાં ભનભનાટી અનુભવાય છે.
અગાઉના રિસર્ચમાં એવું પણ બહાર આવ્યું હતું કે એઆઈ પ્રોડક્ટિવિટી વધારવાને બદલે લોકો પાસેથી વધુ કામ કરાવી રહ્યું છે. ઘણા કર્મચારીઓ તેમના ‘બ્રેક ટાઈમ’માં પણ એઆઈ એજન્ટને પ્રોમ્પ્ટ આપીને કામ પતાવવાની કોશિશ કરે છે, જેના કારણે મગજને આરામ મળતો નથી.
એઆઈ બ્રેઈન ફ્રાયને કારણે કંપનીઓના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. જે કર્મચારીઓ આ સમસ્યાથી પીડાય છે, તેમની નિર્ણય લેવાની ક્ષમતામાં અન્ય કર્મચારીઓની સરખામણીએ 33% વધુ થાક જોવા મળ્યો છે. આનાથી કામમાં ભૂલો થવાની અને ખોટા નિર્ણયો લેવાની શક્યતા વધી જાય છે, જે આખરે બિઝનેસને નુકસાન પહોંચાડે છે.
.


