 
                                    ગાંધીનગરના કોલવડામાં પ્રતિ મીનીટ 280 લિટર ઉત્પાદન કરતો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં ઓક્સિજનની સમસ્યા પણ દૂર થઈ છે. શહેર નજીકના કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે શુભઆરંભ કરાયો છે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે. સાથે જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પર કોરોના દર્દીઓના ભારણને પણ હળવું કરી શકાશે.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યુ હતું કે, કોલવડા ખાતે 200થી વધુ દર્દીઓ સારવાર લઈ શકે એ માટે હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અત્યારે 66 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવાના કારણે ઓક્સિજનનું ઉત્પાદન બીજા રાજ્યોની સરખામણીમાં વધુ છે. આથી ગુજરાતે પોતાની જગ્યા કરતા જરૂરિયાત કરતા વધારાનો ઓક્સિજન બીજા રાજ્યોને મોકલવાનો પ્રયાસ કર્યો છે. કોલવડાની હોસ્પિટલમાં આજે નવા ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરાયું છે. જેમાં 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન પ્રતિ મિનિટ થશે. આ દર્દીઓને ઓક્સિજન મળી રહે એવી પુરતી વ્યવસ્થા છે. કોવિડ સેન્ટર આખેઆખુ દર્દીઓથી ભરાઈ જશે તો પણ અહી ઓક્સિજન સપ્લાય નહિ ખૂટે. તેમજ અન્ય મોટા ગેસ સિલિન્ડર પણ અવેજીમાં રાખ્યા છે, જેથી કોઈ કારણોસર આ પુરવઠો ખોરવાય તો જાનહાનિ ટાળી શકાય.
તેમણે વધુમાં કહ્યું કે, પીએમ કેર ફંડથી આવા ઓક્સિજન પ્લાન્ટ દેશભરમાં ઉભા કરાશે. ગુજરાતમાં પણ 11 પ્લાન્ટ ઉભા કરવાની મંજૂરી મળી છે. જેથી ગુજરાતમાં ઓક્સિજનની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. વધુ ઓક્સિજન નાના રાજ્યોને આપી શકીશું. ટાટા કન્સ્ટ્રક્શન તરફથી પણ ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ ઊભી થવાની છે એ પણ સારી બાબત છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે.
 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

