નવી દિલ્હી : દિલ્હીની સ્પેશિયલ સેલે એક મોટા આતંકી મૉડ્યુલનો પર્દાફાશ કરી પાંચ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારી પ્રભુદ સિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે, દિલ્હી, ઝારખંડ, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઠાણે, નિઝામાબાદ અને રાજગઢમાં દરોડા પાડીને આ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાન આધારિત હેન્ડલરનાં નિર્દેશ પર ભારતમાં “ખિલાફત” સ્થાપવા અને “ગજવા-એ-હિંદ”ના નામે જિહાદ ચલાવવાની સાજિશ રચી રહ્યા હતા. આજે કોર્ટએ પાંચમાંથી ચાર આતંકીઓને પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે, જ્યારે એકને દિલ્હી લાવી કોર્ટમાં હાજર કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નેટવર્કમાં આશરે 40 લોકો સક્રિય હતા અને તમામ પર ગુપ્તચર એજન્સીઓની નજર હતી. આ ગેંગ “સિગ્નલ” એપ દ્વારા ગુપ્ત રીતે સંપર્કમાં રહેતો હતો.
પોલીસ દ્વારા ઝડપાયેલા આતંકીઓમાં સુફિયાન અબુબકર અને માસ્ટરમાઇન્ડ દાનિશને 12 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલાયા છે, જ્યારે અફતાબ કુરેશી અને અશહર દાનિશને 8 દિવસની રિમાન્ડ મળી છે. પાંચમો આતંકી હુઝૈફા યમન તેલંગાણા પરથી ઝડપાયો છે, જેને આજે દિલ્હી લાવી કોર્ટમાં હાજર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ માસ્ટરમાઇન્ડ દાનિશ આઈઈડી બનાવતી વખતે ઘાયલ થયો હતો અને તેની આંખમાં ઇજા પહોંચી હતી, જેના માટે તેનો સારવાર પણ કરવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ નેટવર્કમાં માત્ર પાંચ આતંકીઓને કાવતરાની ખબર હતી, જ્યારે બાકીના લોકોને ગેરમાર્ગે દોરીને સામેલ કરવામાં આવ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે ગેંગ આઈએસઆઈએસનું નામ વાપરતું હતું.. આતંકીઓ દેશભરમાં પોતાનું નેટવર્ક ફેલાવવા પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સમયસર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી કરી દીધી. અધિકારીઓએ જણાવ્યું કે આ કામગીરીને રાજધાની તેમજ દેશની સુરક્ષાની દૃષ્ટિએ મોટી સફળતા માનવામાં આવી રહી છે. એજન્સીઓ હવે આ મૉડ્યુલ સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહી છે અને ગહન તપાસ ચાલુ છે.
(PHOTO-FILE)

