Site icon Revoi.in

ખરાબ હવામાનને કારણએ દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઈટને પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજુરી આપી ન હતી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનનું વધુ એક ખરાબ કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. નવી દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવા માંગતી હતી પરંતુ પાકિસ્તાને તેને મંજૂરી આપી ન હતી. આ અંગે, ઉડ્ડયન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ શુક્રવારે સંપૂર્ણ માહિતી આપી. તેમણે ફ્લાઇટ ક્રૂના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ ઘટના અંગે વિગતવાર નિવેદનમાં, DGCA એ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર કોઈપણ મુસાફરને કોઈ ઈજા થઈ નથી, જોકે વિમાનનો આગળનો ભાગ, ‘નોઝ રેડોમ’ને નુકસાન થયું હતું. ખરાબ હવામાનને કારણે વિમાન અથડાવાની ઘટનાની તપાસ ડીજીસીએ કરી રહી છે. બુધવારે, ઇન્ડિગોના ‘A321 Neo’ એરક્રાફ્ટ ફ્લાઇટ નંબર ‘6E 2142’ ને પઠાણકોટ નજીક કરા પડવા અને ભારે ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો.

“ક્રૂના નિવેદન મુજબ, તેમણે રૂટ પર ખરાબ હવામાનને કારણે ઉત્તરી વાયુસેના (IAF) કંટ્રોલને ડાબી બાજુ (આંતરરાષ્ટ્રીય સરહદ) વાળવા વિનંતી કરી હતી પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી,” તેમ  DGCA એ જણાવ્યું હતું. બાદમાં ક્રૂએ ખરાબ હવામાનથી બચવા માટે લાહોરના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તે પણ નકારી કાઢવામાં આવ્યો હતો.

નિયમનકારના જણાવ્યા મુજબ, ક્રૂએ શરૂઆતમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તેઓ તોફાની વાદળોની નજીક હતા ત્યારે ખરાબ હવામાનમાં પણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. “ત્યારબાદ તેમને કરા પડવા અને અત્યંત ખરાબ હવામાનનો સામનો કરવો પડ્યો હતો.” ખરાબ હવામાન ટાળવા માટે ક્રૂએ શ્રીનગર તરફના સૌથી ટૂંકા રૂટ દ્વારા તે જ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.