
દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહંમદ આમીર હાલ ક્રિકેટ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મહંમદ આમિરે પોતાની પાસે યુકેનું કાર્ડ હોવાનો દાવો કર્યો છે. તેની પત્ની નર્જીસ ખાન બ્રિટીશ નાગરિક છે. મહંમદ આમીર અને નર્જીસ ખાનને એક દીકરો પણ છે. આમીર અને નર્જીસની લવસ્ટોરી ફિલ્મની સ્ટોરીની જેમ રોમાન્ચક છે. 2010માં આમીરનું નામ મેચ ફિક્સિંગમાં સામે આવ્યું હતું. તેમજ તેને જેલમાં જવાનો વારો આવ્યો હતો. ત્યારે તેનો કેસ પાકિસ્તાની મૂળની બ્રિટીશ નાગરિક નર્જીસ ખાન લડતી હતી.
- મહિલા વકીલ સાથે કર્યાં લગ્ન
કેસ લડતા-લડતા નર્જીસ અને આમીર એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. તેમજ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મેચ ફિક્સિંગના આરોપસર આમીર ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ત્યારે આમીર 18 વર્ષનો હતો. આમીર અને નર્જીસ ખાને વર્ષ 2016માં લગ્ન કર્યાં હતા.
- હાલ IPLની તૈયારીમાં વ્યસ્ત
વર્ષ 2016માં આમીરે ફરીવાર ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. જો કે, 2020માં પાકિસ્તાન ક્રિકેટની આંતરિક રાજનીતિના કારણોસર તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું. હાલ આમીર બ્રિટીશ નાગરિક બનીને આઈપીએલમાં રમવાની તૈયારી કરી રહ્યો છે.
ઓગસ્ટ 2010માં લોડર્સ ક્રિકેટ ટેસ્ટમાં ત્રણ ક્રિકેટરોએ સટોડિયા મઝહર માજીદ સાથે મળીને સ્પોટ ફિક્સિંગ કર્યું હતું. જેનું સ્ટીંગ ઓપરેશન થતા સમગ્ર રેકેટ બહાર આવ્યું હતું. સ્ટીંગ ઓપરેશનમાં મેચ ફિક્સિંગની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. આ માટે આરોપી ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં કેપ્ટન સલમાન બટ્ટના ઈશારે મહંમદ આસિફ અને મહંમદ આમિરે ક્રમશઃ નો બોલ નાખ્યાં હતા.
ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ આમિરે બ્રિટિશ પાસપોર્ટ મેળવવાની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન 2016માં બ્રિટીશ નાગરિક નર્જીસ ખાન સાથે લગ્ન કર્યાં હતા. સ્પોટ ફિક્સિંગના આરોપસર વર્ષ 2010થી 2015 સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. બ્રિટીશ કોર્ટના આદેશના પગલે આમીર લગભગ છ મહિના જેલમાં રહ્યો હતો.