Site icon Revoi.in

પાકિસ્તાનઃ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ભત્રીજાનું અપહરણ

Social Share

પાકિસ્તાનમાં હાલ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, કારણ એ છે કે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ભત્રીજા શહરેજ ખાનનું અપહરણ થયાનો આરોપ લગાવ્યો છે. શહરેજ ઇમરાનની બહેન અલીમા ખાનનો પુત્ર છે. પાર્ટીના વકીલ રાણા મુદસ્સર ઉમરે કહ્યું કે, શહરેજનું નામ અત્યાર સુધી કોઈ પણ કેસમાં સામે આવ્યું નથી અને ન તો તે રાજકારણ સાથે સંકળાયેલો છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે, શહરેજ ખાનનું લાહોરમાં તેમના ઘરેથી સાદા કપડાં પહેરેલા લોકોએ અપહરણ કર્યું હતું. પાર્ટીના જણાવ્યા અનુસાર, શહરેજ ઓસ્ટ્રેલિયામાં એક મોટી લિનન કંપનીના પ્રાદેશિક વડા અને ટ્રાયથલીટ છે. તેમને તેમના ઘરેથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા હતા. ઘરેલુ સહાયકોને માર મારવામાં આવ્યો હતો અને શહરેજને તેમના બે બાળકોની સામે પણ ત્રાસ આપવામાં આવ્યો હતો.

પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક દિવસ પહેલા તેમને લાહોર એરપોર્ટ પરથી તેમની પત્ની સાથે મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમને બળજબરીથી ફ્લાઇટમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની સખત નિંદા કરતા ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે શહરેજને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

ઇમરાનની બહેન અલીમા ખાન ઘણીવાર દેશની સેના અને અધિકારીઓની ટીકા કરવા બદલ હેડલાઇન્સમાં રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન છેલ્લા બે વર્ષથી (ઓગસ્ટ 2023 થી) જેલમાં છે. તેમણે પોતાની પાર્ટીને કહ્યું હતું કે જો જેલમાં તેમની સાથે કંઈ ખોટું થાય તો આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને જવાબદાર ઠેરવવા જોઈએ. નોંધનીય છે કે ગુરુવારે જ દેશની સુપ્રીમ કોર્ટે 9 મેના રોજ થયેલી હિંસા સંબંધિત આઠ કેસોમાં ઇમરાન ખાનને જામીન આપવાનો નિર્ણય પણ આપ્યો હતો.