લાહોરઃ રાજકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા લાંબા સમયથી વિવિધ કેસોમાં જેલની સજા ભોગવી રહ્યાં છે. દરમિયાન જેલમાં બેઠા-બેઠા ઈમરાન ખાને પોતાની પાર્ટીના કાર્યકરોને આગામી દિવસોમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાનું સૂચન કર્યું છે. તેમજ ઈમરાન ખાને સેનાના વડા અસીમ મુનીર ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ઈમરાન ખાનના શાસન સામેના આકરા વલણને જોતા પાકિસ્તાનમાં આગામી દિવસોમાં નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે, તેઓ ગુલામી સ્વીકારવા કરતાં જેલની કોટડીમાં રહેવાનું પસંદ કરશે. ખાને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના કાર્યકરોને આશુરા પછી વર્તમાન શાસન સામે બળવો કરવાનું આહ્વાન કર્યું છે. આશુરા એ મોહરમનો 10મો દિવસ છે જે પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનની શહાદતના શોકમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે આ દિવસ 6 જુલાઈના રોજ છે. ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “હું આખા દેશને, ખાસ કરીને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના કાર્યકરો અને સમર્થકોને, આશુરા પછી આ અત્યાચારી વ્યવસ્થા સામે ઉભા થવા વિનંતી કરું છું.” ખાને કહ્યું, “હું ગુલામી સ્વીકારવા કરતાં જેલની કોટડીમાં રહેવાનું પસંદ કરીશ.”
ખાન ઘણા કેસોમાં લગભગ બે વર્ષથી જેલમાં છે. ખાને કહ્યું કે તેમના અવાજને દરેક રીતે દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સેના પ્રમુખ અસીમ મુનીર પર ટિપ્પણી કરતા ખાને કહ્યું, “જ્યારે કોઈ સરમુખત્યાર સત્તામાં આવે છે, ત્યારે તેને લોકોના મતોની જરૂર હોતી નથી. તે ક્રૂર બળ દ્વારા શાસન કરે છે.” ખાને દેશમાં ન્યાયતંત્રને કારોબારીનો પેટા વિભાગ ગણાવ્યું અને કહ્યું કે અદાલતો એવા ન્યાયાધીશોથી ભરેલી છે જેઓ કોઈના પ્રિય છે, જ્યારે સ્વતંત્ર ન્યાયાધીશોને શક્તિહીન બનાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “આ ફક્ત માર્શલ લો હેઠળ જ થાય છે.”